Amreli: રાજુલાથી પીપાવાવ પોર્ટ નજીક આવેલા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા 2 સિંહોના મોત નીપજ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજ્યકક્ષાના વનમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ વનવિભાગની ટીમ રેલવે ટ્રેક પર તપાસ હાથ ધરી. DCF કક્ષાના અધિકારીઓ સહિતનાએ ટ્રેક પર તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીની માહિતી લીક ન થાય તે માટે મીડિયાને દૂર રાખવામાં આવ્યુ હતુ.
સિંહોને બચાવવા કરોડોના ખર્ચે ફેન્સિંગ નાખ્યા હોવા છતા સિંહો ટ્રેક પર કેવી રીતે આવી ગયા તે મોટો સવાલ છે. રેલવેકર્મીઓ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે તાઉતે વાવાઝોડા સમયે આ ફેન્સિંગ ક્ષતિગ્રસ્ત થઈ હતી, જો કે બાદમાં તેનું રિપેરિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારે જો ફેન્સિંગનું સમારકામ થઈ ગયુ હતુ તો સિંહો રેલવેટ્રેક પર શું ઉડીને આવ્યા તેવો સવાલ અહીંના સ્થાનિકો પણ કરી રહ્યા છે. હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનામાં પહેલા એક સિંહનું મોત થયુ હતુ, જ્યારે એક સિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને જૂુનાગઢ સક્કરબાગ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. જો કે બે દિવસમાં એ ઈજાગ્રસ્ત સિંહનું પણ મોત થયુ હતુ. બે-બે સિંહોના મોતથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરાઈ હતી. આ સમગ્ર મામલે વનમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ દરમિયાન અધિકારીઓ મીડિયાથી દૂર ભાગતા જોવા મળ્યા છે. DCF જયંત પટેલ પણ tv9ના સવાલોથી દૂર ભાગતા જોવા મળ્યા હતા. જે પ્રકારે બેદરકારી સામે આવી છે અને જવાબદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી ત્યારે આ અંગે કોઈ જવાબ આપવાથી તેઓ બચતા જોવા મળ્યા હતા.
ગુજરાતની અને દેશની આન-બાન-શાન અને ગૌરવ સમા આ એશિયાટિક લાયનના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ક્યાંકને ક્યાંક વનવિભાગ અને રેલવેકર્મીઓની પણ બેદરકારી સામે આવી છે. જો કે હાલ તો વનવિભાગના DCF કક્ષાના અધિકારીઓ તપાસ માટે આવ્યા છે પરંતુ સમગ્ર તપાસથી મીડિયાને કેમ દૂર રખાઈ રહ્યુ છે તે પણ શંકા ઉપજાવે છે. વનવિભાગ એવુ તો શું છુપાવવા માગે છે કે મીડિયાને દૂર રખાયુ તેવો ગણગણાટ પણ મીડિયાકર્મીઓમાં છે.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો