ઉત્તર ગુજરાતનો ગઢ સર કરવા અમિત શાહની રણનીતિ, 59 બેઠકો પર થયું મંથન, જીતી શકે તેવા જ ઉમેદવારોને મળશે ટિકિટ

|

Oct 24, 2022 | 5:21 PM

Gujarat Election 2022: દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બેઠકો બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે મિશન ઉત્તરગુજરાત શરૂ કર્યુ છે. જે અંતર્ગત અમિત શાહ બનાસકાંઠા પહોંચ્યા હતા. જ્યાં ઉત્તર ગુજરાતની કુલ 59 બેઠકો જીતવા માટે મંથન કરવામાં આવ્યુ. તેમજ ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે..ત્યારે ભાજપ (BJP)ની જીતને જાળવી રાખવા ખુદ ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) મોરચો સંભાળ્યો છે. ત્યારે અમિત શાહે મિશન ઉત્તર ગુજરાત (Mission North Gujarat) ના ભાગરૂપે પાલનપુરમાં બનાસ મેડિકલ કોલેજમાં ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મંથન કર્યું. બેઠકમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ અને કચ્છની કુલ 59 વિધાનસભા બેઠકો માટે મંથન કર્યું તો બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે કચ્છ અને અમદાવાદમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. ઉત્તર ગુજરાત માટે વધુ કવાયત તેજ કરાશે. જીત મેળવી શકે તેવા ઉમેદવારોને ટિકિટ અપાશે. હાલ નો-રિપીટ થિયરી કે ઉંમરની મર્યાદાનો કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામા આવી નથી. આ તરફ અર્બુદા સેનાની જમીની સ્તર પરની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચૌધરી સમાજ મોટાભાગે ભાજપ સાથે હોવાનો હોદ્દેદારોનો સૂર જોવા મળ્યો.

આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે. જેને લઇ પીએમ મોદી અને અમિત શાહ પ્રચંડ પ્રચાર કરી ગુજરાતની કમાન સંભાળી છે. અમિત શાહે ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યના ચાર ઝોનમાં અલગ અલગ બેઠક કરશે. જેમાં સૌથી પહેલા આદિવાસી મત બેંક અંકે કરવા અમિત શાહ મિશન દક્ષિણ ગુજરાત પર પહોંચ્યાં જ્યાં વલસાડમાં હોદ્દેદારો સાથે બેઠક કરી જીતનો મંત્ર આપ્યો. ત્યારબાદ મિશન મધ્ય ગુજરાતના ભાગરૂપે વડોદરામાં અમિત શાહે બેઠક કરી અને કાર્યકરો અને હોદ્દેદારોને તમામ બેઠક જીતવાનો લક્ષ્યાંક આપ્યો. જ્યારે આજે મિશન ઉત્તર ગુજરાતના ભાગરૂપે અમિત શાહે પાલનપુરમાં હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા.

Next Video