અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદ વિવાદ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનો વિવાદ હાઇકોર્ટ પહોંચી શકે છે. અંબાજી મંદિરમાં વર્ષોથી પ્રસાદમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના સ્થાને ચીકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવાયો છે. જેની સામે વિરોધ શરુ થયો છે, ત્યારે પાલનપુર વકીલ મંડળે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી દર્શાવી છે. ભક્તોની આસ્થા સાથે હજારોની રોજગારી સામે સવાલ સર્જાયો છે. ત્યારે પ્રસાદ વિવાદમાં ગુજરાત હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવા રજૂઆત થઇ શકે છે.
વર્ષ 2014માં પણ પ્રસાદના કોન્ટ્રાક્ટનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો હતો. ત્યારે હવે ફરી મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા હિંદુ સંગઠનોએ તે સમયે વિરોધ નોંધાવ્યો છે. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા હિત રક્ષક સમિતિએ 8 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ. ભૂખ હડતાળ સહિત અંબાજી બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
શક્તિપીઠ અંબાજી મંદિરની ઓળખ સમાન મોહનથાળ પ્રસાદને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળના પ્રસાદની જગ્યાએ હવે માઈભક્તોને ચીક્કીનો પ્રસાદ મળશે. માના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પોતાની સાથે અચૂક મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બને છે અને તેની સાથે અનેક શ્રમિકો પણ જોડાયેલા છે, ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ થતા શ્રમિકો બેકાર થતા તેમની રોજીરોટી પણ છીનવાઇ છે.
તો બીજી તરફ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા અંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું માનવું છે કે માં અંબાના ભક્તો ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેલાયેલા છે. માનો પ્રસાદ દર્શને આવતા ભક્તો પોતાની સાથે લઇ જતા હોય છે જ્યારે કેટલાક ભક્તો ઓનલાઇન પણ પ્રસાદ મગાવતા હોય છે. ત્યારે આ સ્થિતિમાં પ્રસાદ બગડી ન જાય અને લાંબા સમય સુધી તેની ગુણવત્તા જળવાઇ રહે તે હેતુથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.
Published On - 1:22 pm, Sat, 4 March 23