અમદાવાદ શહેરને સ્માર્ટ બનાવવા અને ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા તંત્ર દ્વારા એસપી રિંગ રોડ પર ફ્લાય ઓવરનું તો નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ એસપી રિંગ રોડ પરના કુલ 7 પૈકી 3 ફ્લાયઓવર બ્રિજનું કામ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ પૂર્ણ થયું ન હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મમતપુરા, સનાથલ અને રણાસણ ઓવરબ્રિજનું કામ ખૂબ જ મંથર ગતિએ ચાલી રહ્યું છે.
2021માં મમતપુરા ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી થયાને એક વર્ષનો સમય વીતી ગયો છતાં બ્રિજ ધરાશાયી થવા પાછળનું કારણ શું છે તે સામે આવ્યું નથી. ગોકળગાય ગતિએ બ્રિજનું કામ ચાલતું હોવાથી સાંજે પિક અવર્સ દરમ્યાન મોટા પાયે ટ્રાફિક જામ સર્જાય છે જેને હેન્ડલ કરવો ટ્રાફિક પોલીસ માટે પણ મુશ્કેલ બની રહ્યો છે દરરોજ હાલાકી વેઠતા વાહનચાલકોનું કહેવું છે કે નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થવાથી લોકોના ટેક્સના રૂપિયા વેડફાઇ રહ્યા છે.
72 કિલોમીટરના એસપી રીંગ રોડ પર 10 ફ્લાય ઓવર તેમજ અંડર પાસના નિર્માણ માટે બે વર્ષની સમય સીમા નિશ્ચિત કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દત પૂર્ણ થયાને પણ બે વર્ષ વીતવા આવ્યા છે તેમ છતાં હજુ પણ ત્રણ ફલાયઓવર બ્રિજનું કામ બાકી છે. ઔડાનું કહેવું છે કે સનાથલ બ્રિજનું કામ શરૂ થયા બાદ રેલવે લાઇન હોવાને કારણે મંજૂરી લેવામાં સમય લાગ્યો તો રણાસણ ફલાયઓવર બ્રિજમાં પણ વિભાગીય કામગીરીને કારણે પ્રોજેકટ મોડો ધકેલાયો છે. સમયસીમામાં પ્રોજેક્ટ પૂર્ણ ન થયા હોય તેવા કોન્ટ્રાક્ટરો પાસે જવાબ માગીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઔડાના સીઇઓનું કહેવું છે.