Ahmedabad: અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા બેનાં મોત, JCB ની ટક્કરથી દીવાલ તૂટી પડી હતી
દીવાલ પાસે હાજર પિતા-પુત્ર પર દીવાલ પડતાં બંનેના મોત થઈ ગયાં હતાં જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અમદાવાદ (Ahmedabad) માં અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતાં બે વ્યક્તિનાં મોત (Death) નીપજ્યાં છે. JCB ની ટક્કરથી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સલાટનગર વસાહતની દીવાલ સાથે JCB અથડાતાં અચાનક જ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ સમયે ત્યાં હાજર પિતા-પુત્ર પર દીવાલ પડતાં બંનેના મોત થઈ ગયાં હતાં જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ત્રણેયને દીવાલના કાટમાળ નીચેથી બહાર કાઢીને રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયર બ્રિગેડે ત્યાં પહોંચીને અન્ય કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ ત્યાં હાજર લોકોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ખોખરા કાંકરિયા સાથે જોડતા અનુપમ ઓવરબિજ પાસે સલાટનગર વસાહતની વીસેક ફુટ લાંબી દિવાલ હતી. ભારે ગરમીને કારણે પિતા – પુત્રી દિવાલ પાસે છાયડામાં આવીને બેઠા હતા. દરમિયાન પાંચેક ફુટ ઉંચી આ દીવાલ સાથે જેસીબી અથડાતાં તે ધરાશયી થતા બંને પિતાપુત્ર દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે લાંબો સમયથી અહીં બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ લોકો મન ફાવે તેમ કામ કરે છે. તેમને વારંવાર સુચના આપવા છતાં તેઓ કોઇ ધ્યાન રાખતા નથી. આજે જેસીબીનો કોન્ટ્રાક્ટર પોતે જ તે ચલાવતો હોવાનું અને તે પણ દારૂ પીને ચલાવતો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે.