Ahmedabad: વટવાના આ રહિશ માટે કાર બની ગઈ માથાનો દુ:ખાવો, વસ્ત્રાલ RTOની બેદરકારીએ ભારે કરી !

|

Feb 02, 2022 | 2:18 PM

આરસી બૂકમાં ધરખમ ફેરફારો થયા હોય તો વાહન ચાલકની શું હાલત થઈ હશે તે વિચારી શકાય છે. કાર માલિક આ કાર કોઈને વેચી પણ શકતા નથી... 3 વર્ષમાં 15 અરજીઓ કરવામાં આવી છતાં આરટીઓ દ્વારા કોઈ મદદ મળી નથી.

કોઈ વ્યક્તિ વાહન ખરીદે તેની સાથે ઘણી ખુશીઓ પર ખરીદે છે. ઘરમાં વાહન આવે તો લોકો વાહનનો યોગ્ય ઉપયોગ થાય તેવો પ્રયાસ કરતા હોય છે. વાહન લોકોની સુખ સુવિધામાં વધારો કરે છે. પરંતુ અમદાવાદ (Ahmedabad)ના વટવા ખાતે રહેતા ગિરિશભાઈ પટેલ માટે આ કાર માથાનો દુખાવો સમાન સાબિત થઈ છે. જેનું કારણ છે વસ્ત્રાલ RTO (Vastral RTO)ની ઘોર બેદરકારી. 3 વર્ષ પહેલા ગિરિશભાઈએ જે કાર રિસેલમાં ખરીદી હતી તે કારની આરસી બૂકમાં ફેરફાર માટે અરજી કરી હતી અને જ્યારે આરસી બૂક મળી ત્યારે માહિતીમાં ખૂબ જ ગોટાળા જોવા મળ્યા.

અમદાવાદના વટવામાં રહેતા ગિરિશભાઈ પટેલે જ્યારે કાર ખરીદી ત્યારે તે આરસી બૂકમાં ડીઝલ કાર હોવાનો ઉલ્લેખ હતો. જે રમેશભાઈના નામે હતી. જેમની પાસેથી ગિરિશભાઈએ કાર ખરીદી અને નવી આરસી બૂક બનાવી તો તેમાં કાર પેટ્રોલ કાર બની ગઈ.આ સાથે આરસી બૂકમાં કાર અંગે ઢગલો ફેરફાર થઇ ગયા. તેના પર નજર કરીએ તો જૂની આરસી મુજબ ઈનોવા કાર હતી, જે હવે નવી આરસી બૂકમાં વેગન-આર બની ગઈ છે, ટોયોટા કંપનીની જગ્યાએ મારુતી સુઝુકીની કંપનીએ સ્થાન લઈ લીધું છે, હવે ઈનોવા કારને વેગનઆર બનાવી દેવાય તો સ્વાભાવિક છે કે સીટિંગ કેપેસિટી પણ સાતમાંથી 4 થઈ ગઈ છે, ક્યુબિક કેપેસિટી બદલાઈ ગઈ, કારનો કલર સિલ્વરમાંથી વ્હાઈટ થઈ ગયો છે, કારની મેન્યુફેક્ચરિંગ તારીખ બદલાઈ ગઈ, ગાડીનો ચેચિસ નંબર પણ બદલાઈ ગયો,ગાડીના રજિસ્ટર નંબર સિવાયની તમામ વસ્તુઓ બદલાઈ ગઈ છે.

આરસી બૂકમાં આવા ધરખમ ફેરફારો થયા હોય તો વાહન ચાલકની શું હાલત થઈ હશે તે વિચારી શકાય છે. કાર માલિક આ કાર કોઈને વેચી પણ શકતા નથી. 3 વર્ષમાં 15 અરજીઓ કરવામાં આવી છતાં આરટીઓ દ્વારા કોઈ મદદ મળી નથી. હાલના ARTO કનકસિંહ પરમારને જ્યારે આ બાબતે સવાલ કરાયો તો તેમણે પણ મૌન સેવ્યું હતુ. જો કે હદ તો ત્યારે થઈ જ્યારે આરટીઓના અધિકારી દ્વારા કાર આરટીઓને જ વેચી દેવાની ઓફર થઈ ગઈ. જેથી છૂટકારો મેળવી શકાય.

હવે વાહન ચાલક આવી સ્થિતિમાં ક્યાં જાય, કોની મદદ લે તે સમજાતું નથી. હવે જોવાનું એ રહેશે કે જૂની ભૂલો સુધારવામાં હાલના ARTO કેટલો ઉત્સાહ દેખાડે છે.

આ પણ વાંચો-

અમદાવાદ કોર્પોરેશનનું રૂપિયા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, જાણો શહેરમાં ક્યા કેટલો વિકાસ થશે

આ પણ વાંચો-

અમદાવાદ કોર્પોરેશનનું રૂપિયા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, જાણો શહેરમાં ક્યા કેટલો વિકાસ થશે

Next Video