Ahmedabad: 60 પાનાનો રિપોર્ટ, અને ખુલી AMCની પોલ. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે AMCનું તંત્ર નિષ્ક્રિય છે. આ તારણ રજૂ થયું છે હાઇકોર્ટમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં. કન્ટેમ્પ્ટ પિટિશન મુદ્દે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે હાઇકોર્ટના આદેશથી શહેરમાં રિયાલિટી ચેક હાથ ધર્યું. સત્તામંડળની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સત્તામંડળે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને ફોટોગ્રાફ સાથે દસ્તાવેજી પુરાવા પણ એકત્ર કર્યા હતા.
સત્તામંડળના રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદમાં જાહેરમાર્ગો પર ગેરકાયદે પાર્કિંગ થાય છે. રોંગસાઇડ ડ્રાઇવિંગથી ટ્રાફિકની અવરજવરમાં અડચણ સર્જાય છે.રસ્તા પર ચાની કિટલી, ફૂડ સ્ટોલ, શાકભાજીના ફેરીયા અને ગલ્લાધારકો દ્વારા દબાણ કરવામાં આવે છે તો રસ્તા પરના દબાણને પગલે શહેરના માર્ગોની સાઇઝ અડધી થઇ ગઇ છે, સાથે જ આડેધડ પાર્કિંગના પગલે રોંગ સાઇડ ડ્રાઇવિંગનું ચલણ પણ વધ્યું છે તો શહેર ટ્રાફિક પોલીસ પાસે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અટકાવવા કોઇ વ્યવસ્થા ન હોવાનું રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. એટલું જ નહીં રખડતા ઢોરના પ્રશ્નને પણ રિપોર્ટમાં ગંભીર રીતે ટાંકવામાં આવ્યો છે અને રખડતા ઢોરને શહેરનો પ્રાણ પ્રશ્ન ગણાવવામાં આવ્યો છે.
રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા તારણો પર નજર કરીએ તો કેશવબાગથી પકવાન ચાર રસ્તા સુધી ગેરકાયદે પાર્કિંગ કરાય છે અને અવરજવરમાં અડચણ અને ટ્રાફિકજામની સમસ્યા થાય છે. દરેક ચાર રસ્તા પર ટ્રાફિકજામ, પોલીસ મુકવાની જરૂર છે, લારી-ગલ્લાવાળાઓનું જાહેરમાર્ગો પર જૂનું દબાણ દૂર કરાય જેના પગલે વિવિધ પ્રકારના દબાણોને પગલે રસ્તા સાંકડા થયા છે. કે.ડી.હોસ્પિટલથી માનસી ચાર રસ્તા સુધી ગેરકાયદે પાર્કિંગ, આકાશ ટાવરથી જજીસ બંગલો સુધી ગેરકાયદે પાર્કિંગ, નારણપુરાથી હાઇકોર્ટ જવાના માર્ગો પર પાર્કિંગનો પ્રશ્ન, થલતેજમાં મેટ્રો સ્ટેશન પાસે રિક્ષાઓના ગેરકાયદે પાર્કિંગ, અંકુર ચાર રસ્તા નજીક ફેરિયા અને સ્ટોલનું દબાણ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો