AHMEDABAD : કોરોના મૃત્યુસહાય મેળવવા માટે મદદ કરવા BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કેમ્પ યોજ્યો

|

Nov 26, 2021 | 5:25 PM

કેમ્પ અંગે કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કહ્યું કે ગઈકાલે રાત્રે જ અમારા વિસ્તારમાં આવા પરિવારજનોને જાણ કરી હતી કે સરકારે બતાવ્યાં પ્રમાણેના પુરાવા લઈને આવશો તો અમે ફોર્મ ભરવામાં મદદ કરીશું.

AHMEDABAD : કોરોનાકાળમાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.બાપુનગરમાં લોકોને મદદ કરવા માટે કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કેમ્પ યોજ્યો છે. કોર્પોરેટરે પોતાના જનસેવક કાર્યાલય પર કેમ્પ યોજ્યો.કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને સહાય માટે ફોર્મ ભરવામાં આવ્યાં. શહેરમાં આ માટે 7 મામલતદાર કચેરી પર વ્યવસ્થા કરવામાં આવી છે.કોર્પોરેટરે સહાય કેમ્પ યોજી સરકારી કામગીરી સરળ કરવા અને લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.

કેમ્પ અંગે કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કહ્યું કે ગઈકાલે રાત્રે જ અમારા વિસ્તારમાં આવા પરિવારજનોને જાણ કરી હતી કે સરકારે બતાવ્યાં પ્રમાણેના પુરાવા લઈને આવશો તો અમે ફોર્મ ભરવામાં મદદ કરીશું. તેમણે કહ્યું કે આ કેમ્પમાં જે લોકો મદદ કરી રહ્યાં છે એ પણ અમારા વિસ્તારના સેવાભાવી યુવકો જ છે, જે ફોર્મ ભરવામાં અને નોટરી કરી આપવામાં મદદ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોના મૃત્યુસહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો છે. 25 નવેમ્બરની મોડી રાત્રે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે કોરોના મૃતકના પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવે. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે એક ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ કેમ્પનો લાભ લઇ રહેલા સ્થાનિકોએ કહ્યું કે અમને ખબર ન હતી કે ફોર્મ કેવી રીતે ભરવું, પણ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરના કાર્યાલયમાં તમામ જાણકારી આપવામાં આવી.

આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે. સહાય માટે જાહેર કરાયેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ દર્શાવવાનો રહેશે.એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિનું સોગંદનામું અને બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

Published On - 5:21 pm, Fri, 26 November 21

Next Video