Ahmedabad: AMC દર શુક્રવારે ઉજવશે ઈકો ફ્રેન્ડલી દિવસ, તમામ હોદ્દેદારો પોતાના વાહનને બદલે સાયકલ, BRTS-AMTS નો કરશે ઉપયોગ

|

Jul 22, 2022 | 5:00 PM

અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) શુક્રવારના દિવસને ઇકો ફ્રેન્ડલી દિવસ (Eco Friendly Day) તરીકે ઉજવવાની અપીલ કરી છે. જે અંતર્ગત એએમસીના તમામ હોદ્દેદારો શુક્રવારે પેટ્રોલ-ડીઝલના વાહનોને બદલે સાયકલ, બીઆરટીએસ તેમજ એએમટીએસનો ઉપયોગ કરશે.

અમદાવાદમાં (Ahmedabad) સતત વધી રહેલા પ્રદૂષણને (Pollution) નાથવા તંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે હવે ખુદ મનપાના અધિકારીઓએ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પહેલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) શુક્રવારના દિવસને ઇકો ફ્રેન્ડલી દિવસ (Eco Friendly Day) તરીકે ઉજવવાની અપીલ કરી છે. જે અંતર્ગત એએમસીના તમામ હોદ્દેદારો શુક્રવારે પેટ્રોલ-ડીઝલના વાહનોને બદલે સાયકલ, બીઆરટીએસ તેમજ એએમટીએસનો ઉપયોગ કરશે. મેયર, કમિશનર સહિત કોર્પોરેશનનો તમામ સ્ટાફ અને ચૂંટાયેલી પાંખના નેતાઓ આ અભિયાનમાં જોડાશે. તમામ કોર્પોરેટરોને શુક્રવારે તેમના વિસ્તારમાં પણ સાયકલ કે બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

નાગરિકોમાં પર્યાવરણની જાગૃતિ લાવવા પ્રયાસ

પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી ફ્રાઇડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ વિષય પર વાત કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ કે, ઇકો ફ્રેન્ડલી ફ્રાઇડે ઉજવવાનો નિર્ણય એક મહિના પહેલાથી કરવામાં આવ્યો છે. જેથી ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને વેગ મળે અને પર્યાવરણનું જતન થાય. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના કારણે શહેરમાં પ્રદૂષણ ફેલાય છે. જેથી એએમસીના તમામ હોદ્દેદારો સાયકલ, બીઆરટીએસ તેમજ એએમટીએસનો ઉપયોગ કરશે. જેથી શહેરના નાગરિકોને પણ પ્રદૂષણ ફેલાવતા વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે પ્રેરણા મળે.”

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ પહેલા પોતાના પર અમલ કર્યો છે અને ત્યારબાદ શહેરીજનો પર અમલ કરવા માગી રહ્યા છે કે પર્યાવરણને પ્રદૂષિત થતા અટકાવવાનો આ એક મોકળો માર્ગ છે. જેને વહેલી તકે અપનાવવો જોઇએ.

સ્ટોરી ઈનપુટ ક્રેડીટ- જીગનેશ પટેલ-અમદાવાદ

Published On - 11:43 am, Fri, 22 July 22

Next Video