Ahmedabad: વરસાદ બાદ લાંભા-નારોલ વોર્ડમાં રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ

| Edited By: | Updated on: Jul 17, 2022 | 12:46 PM

લાંભા-નારોલ વોર્ડ હોય કે અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય અમદાવાદની જનતા દર વર્ષે ચોમાસામાં રસ્તા તૂટી જવાથી ઉભી થતી આ મુશ્કેલીનો સામનો કરે છે.

વરસાદ (Rain) માં પ્રજાને હાલાકી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) પ્રિ-મોન્સૂન કામગીરી તો કરે છે, પરંતુ આ પ્રિ-મોન્સૂન કામગીરી પણ વરસાદના પાણી સાથે ધોવાઈ જાય છે. તેની સાબિતી આપતા દ્રશ્યો અમદાવાદના લાંભા-નારોલ વોર્ડમાં જોવા મળ્યા છે. અહીં વરસાદ બાદ રસ્તાઓ (Road) ની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે ત્યાંથી પસાર થવામાં રહીશોના હાલ-બેહાલ થઈ જાય છે.

આ વર્ષે વરસાદ પડ્યો હોય અને રોડ-રસ્તા ધોવાઈ ગયા હોય તેવું આ કંઈ પહેલીવાર બન્યું નથી. લાંભા-નારોલ વોર્ડ હોય કે અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય અમદાવાદની જનતા દર વર્ષે આ મુશ્કેલીનો સામનો કરે છે. તેનાથી પરેશાન લાંભાના સ્થાનિકોએ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવતા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

વિશ્વ વિરાસત શહેરનું બિરુદ પામેલા અમદાવાદની ઓળખ ધોધમાર વરસાદ બાદ હવે ખાડાનગરી તરીકેની બની ગઇ છે. વરસાદી પાણી ઓસર્યા બાદ તંત્રએ રોડના કામમાં આચરેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે. અમદાવાદનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં મોટા પાયે ખાડા ન પડ્યા હોય. અમદાવાદના સૌથી પોશ વિસ્તારો હોય કે પછી છેવાડાના વિસ્તારો. દરેક રસ્તાઓ પર એટલા મસમોટા ખાડાઓ પડ્યા છે કે તેના પરથી વાહન લઇને પસાર થવું તો દૂરની વાત છે. પ્રજાજનો આવા ખખડધજ રસ્તાઓ પર ચાલી પણ શકે તેમ નથી. કરોડોનો ટેક્સ ચૂકવતા અમદાવાદીઓને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ તંત્ર ઉણું ઉતર્યું છે. બીજી તરફ પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરાયેલો કરોડોનો ખર્ચ ખરા અર્થમાં પાણીમાં ગયો છે.