અમદાવાદ (Ahmedabad)ના નરોડામાં પોલીસ કર્મચારી (Police personnel) પર હુમલો કરનારા 6 આરોપીઓની (Accused) ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ જાહેરમાં પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો હતો. ત્યારે તમામ આરોપીઓને પકડીને પોલીસે પંચનામુ કર્યું હતું.
અમદાવાદ ઝોન 4 LCB, નરોડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી આરોપીને ઝડપી લેવાયા હતા. જેમાં જયેશ ઉર્ફે જીગો સોલંકી , બળદેવ સોલંકી, ઉમેશ વણઝારા, અનિલ ઉર્ફે કાલી સોલાંકી, પંકજ ઠાકોર અને ભોલે ઉર્ફે નવદીપ સીંદેની પોલીસે ધરપકડ કરી છે આ સાથે હત્યાના પ્રયાસની કલમો પણ લગાડવામાં આવી છે.
નરોડાના મુઠીયા ગામ નજીક અમદાવાદ પોલીસ પર જીવલેણ હુમલાના પ્રકરણના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચને તપાસના આદેશ આપ્યા. તેમજ હર્ષ સંઘવીએ હૂંકાર કર્યો હતો કે પોલીસ પર હુમલાના કેસમાં કોઇને પણ છોડવામાં નહીં આવે.
થોડા દિવસ પહેલા નરોડા પોલીસને એક ગુનેગારની માહિતી મળી હતી. જેને પકડવા માટે સુરેશભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળતા જ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. બાતમી વાળી સંભવિત જગ્યાએ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાક વાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
જોકે આરોપીએ બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી જઈને આ નરોડા પોલીસ વાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી. અવાર નવાર રેડ કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10 થી 12 લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસને દોડાવી દોડવીને માર માર્યો હતો.