મોરબી દુર્ઘટના બાદ પાવાગઢ મંદિર ટ્રસ્ટ થયુ સજાગ, ડુંગર પર શ્રદ્ધાળુઓની સંખ્યા ન વધે તેની તકેદારી રાખવા સૂચના
Pavagadh: મોરબી દુર્ઘટના બાદ પાવાગઢ મંદિર ટ્રસ્ટે પણ તકેદારીના ભાગરૂપે ડુંગર પર શ્રદ્ધાળુઓની સંખ્યા ન વધે તેનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી છે. શ્રદ્ધાળુઓની ભીડ ન વધે અને ધક્કામુક્કી ન થાય તે ખાસ તકેદારી રાખવા મંદિર પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટે મોરબી દુર્ઘટના બાદ બોધપાઠ લેતા ડુંગર પર શ્રદ્ધાળુઓની સંખ્યા ન વધે તેની તકેદારી રાખવા સૂચના આપી છે. પાવાગઢના ટ્રસ્ટી મંડળે મંદિરમાં ભીડ ન થવા દેવા તાકીદ કરી છે. આ ઉપરાંત મંદિર પરિસર અને રોપવેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા ન થાય તેવી સાવચેતી રાખવા પણ જવાનોને આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે તહેવારો દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધમ અને શક્તિપીઠ પાવાગઢમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આ દિવાળીના તહેવાર દરમિયાન બે લાખ જેટલા માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. આવી પરિસ્થિતિમાં ડુંગર પર ભીડ બેકાબુ ન બને અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તકેદારી રાખવા સૂચના આપી છે.
ભાઈ બીજના દિવસે કિડિયારાની જેમ ભક્તો ઉભરાતા પોલીસે સ્થાનિક પેસેન્જર વાહનો અને રોપ વે સાથે સાથે સંકલન કરી યાત્રાળુઓની અવર જવર સલામત રીતે ઝડપી બને તે માટે પ્રયાસો કરતા આ આયોજનના ભાગરૂપે પ્રવાસીઓ અને યાત્રાળુઓની યાત્રા ઝડપી બની હતી. સલામતીના ભાગરૂપે મંદિર પરિસરમાં પણ પોલીસને ખડે પગે રાખવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે પાવાગઢ મંદિરનો 137 કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. 15મી સદીમાં પાવાગઢ પર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયુ હતુ. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યુ છે. ઉપરાંત પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો નાખવામાં આવ્યો છે. ત્યારબાદ પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિરની નવિનીકરણ બાદ અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધી ગઈ છે. આથી જ મંદિર પરિસર દ્વારા તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે.