સુરેન્દ્રનગરના વઢવાણના ફુલગ્રામ ગામના ત્રિપલ મર્ડર કેસના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગટર બનાવવા જેવી બાબતે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને આરોપીએ મોતને ઘાટ ઉતાર્યા હતા. હાલ પોલીસે આરોપીને ઝડપી હત્યામાં વપરાયેલું હથીયાર પણ જપ્ત કર્યું છે. સાથે જ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઘાતકી ક્રુત્યના કારણે એક પરિવારનો માળો પીંખાઇ ગયો છે તેમજ મૃતકના બે બાળકો પણ અનાથ થઇ ગયાં છે. જેને લઈ સ્થાનિકોએ ઉગ્ર રોષ સાથે આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલા ફુલગ્રામ ગામમાં એક સામાન્ય ઝઘડામાં ખુની ખેલ ખેલાયો છે. આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ત્રણેયની એક સાથે હત્યા કરી નાખી હતી. આરોપી પણ ફુલગ્રામ ગામનો જ હોવાની માહિતી સામે આવી છે. આરોપી મૂળ મોરવાડ ગામનો છે પણ ફુલગ્રામ ગામમાં રહેતો હોવાની જાણકારી મળી છે. ગટર બનાવવા જેવી બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સસરા, પુત્ર અને પુત્રવધુનું મર્ડર થયુ છે.
ફુલગ્રામ ગામમાં આરોપી અગરસંગ ઉર્ફે ભગા માત્રાણીયા અને તેની સામે રહેતા હમીર મેમકીયા વચ્ચે પંચાયતની ગટરને લઇને બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુ:ખ રાખી આરોપી અગરસંગે હમીરને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી, આ દરમિયાન ખેતરેથી મૃતકના પુત્ર અને પુત્રવધુ આવતા તેમને પણ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યારો ભાગે તે પૂર્વે જ ગ્રામજનોએ તેને ઘરમાં પુરી પોલીસને હવાલે કર્યો હતો.
આરોપીનું નામ ભગાભાઇ નાગજીભાઇ છે. તે હત્યા કરીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. એક સાથે ત્રણ મર્ડર થવાની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા જ વઢવાણ અને જોરાવરનગરના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ ઘટના સાથે પહોંચી ગયા હતા, ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
(વિથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)