Kutch: નિકાસ પર પ્રતિબંધથી અટવાયો ઘઉંનો જથ્થો, નિકાસકારોની વધી મુશ્કેલી

|

May 17, 2022 | 1:17 PM

ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક (Buffer Stock) હોવાથી નિકાસનો નિર્ણય કરાયો હતો. પરંતુ હાલના સંજોગોમાં ઘઉંના ભંડાર ખાલી ન થઈ જાય માટે નિકાસ પર પ્રતિબંધ લદાયો છે.

Kutch News : ઘઉંની (Wheat) નિકાસ પર સરકારે પ્રતિબંધ ફરમાવતાં કંડલા પોર્ટ (Kandala Port) પર 20 લાખ ટન ઘઉંનો જથ્થો અટવાયો છે.બે દિવસ પહેલા નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરાઈ હતી. તે સમયે ચાર જહાજ પર કસ્ટમ ઓથોરિટીએ ઘઉં લોડ કરવાનું કામ અટકાવી દીધું હતું. તમને જણાવી દઈએ કે, ઘઉંની મોટાભાગની નિકાસ કંડલા પોર્ટથી થાય છે. નિકાસ પર પ્રતિબંધ પહેલાં જ વિવિધ રાજ્યોમાંથી ગુડ્સ ટ્રેન, ટ્રકો મારફતે અહીં ઘઉં ખડકાયા હતા. સૂત્રોના મતે કંડલામાં ખુલ્લામાં કે ગોદામોમાં પડેલા ઘઉંનું લોડિંગ અટકતા નિકાસકારોએ 15 દિવસની રાહત માંગી છે.

ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક હોવાથી નિકાસનો નિર્ણય કરાયો

હાલ અહીં આઠ લાખ ટન ઘઉંનો જથ્થો છે, પરંતુ પોર્ટ બહાર પ્રવેશવા રાહ જોતા જથ્થાને ઉમેરીએ તો તે લગભગ 20 લાખ ટન આસપાસ પહોંચે છે.મહત્વનું છે કે રશિયા-યુક્રેન યુદ્ધના(Russia Ukraine War)  કારણે આ બંને જે દેશોને ઘઉં મોકલતા હતા તે પણ અટકી ગયા છે. ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક (Buffer Stock) હોવાથી નિકાસનો નિર્ણય કરાયો હતો. પરંતુ હાલના સંજોગોમાં ઘઉંના ભંડાર ખાલી ન થઈ જાય માટે નિકાસ પર પ્રતિબંધ લદાયો છે.

ઘઉં ભરેલી ટ્રકો સાથે દેશના વિવિધ રાજ્યોથી આવેલા હજારો ટ્રક ડ્રાઈવરો પોર્ટમાં ઘઉં ઉતારવાની રાહ જોઇ રહ્યા છે. કેટલાક બે-ત્રણ દિવસથી તો કેટલાક અઠવાડિયાથી અહીં છે. ત્યારે 45 ડિગ્રી ગરમીમાં ડ્રાઈવરોને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાની રાવ સાથે સોમવારે ડ્રાઈવરોએ હુરિયો બોલાવીને વિરોધ કર્યો હતો. બાદમાં પોર્ટ તંત્રે પાણીની વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરી હતી.

Next Video