MONEY9: કેટલું સસ્તું થશે ખાદ્ય તેલ?

ચારેકોરથી મોંઘવારીનો મારો સહન કરી રહેલી જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં ફટાફટ ઘટાડો શરૂ થઈ ગયો છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 23, 2022 | 6:24 PM

MONEY9: રોજેરોજ આવી રહેલાં મોંઘવારી (INFLATION)ના સમાચારોની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આ સમાચાર ખાદ્યતેલ (EDIBLE OIL)ના ભાવમાં ઘટાડાના છે. એકાદ મહિના પહેલાંથી ખાદ્યતેલોના ભાવમાં જે ભડકો થયો હતો, તે હવે શમી રહ્યો છે અને ભાવ ફટાફટ ઘટવા લાગ્યા છે. વૈશ્વિક બજારમાં કિંમતો ઘટવાથી અને સ્થાનિક સ્તરે ઉત્પાદન વધવાની આશાને કારણે ખાદ્યતેલમાં મંદીની શરૂઆત થઈ છે. મહિના પહેલા એક કિલો સરસવનું તેલ 200 રૂપિયામાં મળતું હતું, તે હવે 185 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ સિવાય સોયાબીન ઓઈલ અને પામ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે. 

વૈશ્વિક બજારમાં ખાદ્યતેના ભાવમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે અને ભાવમાં આવેલી આ ફટાફટ મંદીને જોતાં તો લાગી રહ્યું છે કે ખાદ્યતેલ હજુ સસ્તું થઈ શકે છે. આપણે પામ ઓઈલની સૌથી વધુ આયાત મલેશિયાથી કરીએ છીએ અને ત્યાં એક જ દિવસમાં ભાવમાં સાતથી આઠ ટકાનો ઘટાડો થયો છે. બુર્સા મલેશિયા એક્સચેન્જ પર પામ ઓઈલનો વાયદો 5,000 રિંગિટથી પણ નીચે ગયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ ઘટતાંની સાથે જ ભારતીય માર્કેટમાં ખાદ્યતેલના ભાવ 10થી 15 રૂપિયા ઘટ્યા છે.  

વિદેશમાંથી વનસ્પતિ તેલની આયાતમાં સુધારો થવાથી અને સપ્લાય વધવાથી ભાવમાં ઘટાડાનો તખ્તો ઘડાયો છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં આપણી ખાદ્યતેલની આયાત 16 ટકા વધીને 10.61 લાખ ટન નોંધાઈ છે અને ખાસ તો સૂરજમુખી તેલની આયાતના જોરે સપ્લાયને ટેકો મળ્યો છે.  

ખાદ્યતેલમાં ઘટાડા પાછળ માત્ર વૈશ્વિક સપ્લાયમાં સુધારો જવાબદાર નથી, પરંતુ સ્થાનિક સ્તરે તેલીબિયાંનું ઉત્પાદન વધવાનો અંદાજ પણ જવાબદાર છે. કૃષિ મંત્રાલયે અંદાજ બાંધ્યો છે કે દેશમાં આ વર્ષે 385 લાખ ટન તેલીબિયાંનું ઉત્પાદન થશે. ગયા વર્ષે ભારતમાં 359 લાખ ટન તેલીબિયાંનું ઉત્પાદન થયું હતું. જો તેલીબિયાંનું ઉત્પાદન વધશે તો સ્થાનિક સ્તરેથી જ ખાદ્યતેલનો સપ્લાય વધશે. 

આ વર્ષે ભારતમાં ચોમાસું પણ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ખરીફ તેલીબિયાંનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. જો આવું થશે તો ખાદ્યતેલનો સપ્લાય વધશે અને તેની અસર ભાવમાં ઘટાડાના સ્વરૂપે જોવા મળશે. આમ, અત્યારે તો લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ભારતમાં ખાદ્યતેલનો સપ્લાય વધશે અને આ શક્યતાને કારણે ખાદ્યતેલ સસ્તું થવાની આશા બંધાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">