Mythology : ભારતમાં પ્રાચીન કાળથી કોઈ પણ પ્રાણીનો પોતાના સ્વાર્થ માટે વધ કરવો એ અપરાધ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં હંમેશાં એવું કહેવામાં આવ્યું છે કે, મનુષ્ય હોય કે કોઈપણ જીવ તેનો વધ કરવો એ પાપ છે. પરંતુ સાથે જ આપણા દેશમાં બલિ પ્રથા પણ પ્રચલિત છે. આ બંને બાબતો એકબીજાથી સંપૂર્ણ વિરોધાભાષી છે. ભારત ઉપરાંત વિશ્વના અન્ય ઘણા દેશોમાં બલિ પ્રથા ચાલી આવી છે.
આપણા દેશમાં કાલી માતાને બલિ આપવામાં આવે છે. આજે પણ કાલી માતાનાં અનેક મંદિરોમાં દેવીને માંસનો ભોગ ચઢાવામાં આવે છે. બંગાળના કાલી ઘાટ, આસામમાં કામખ્યા જેવા દેવીના મંદિરોમાં માછલી અથવા બકરીનો ભોગ ચઢાવામાં આવે છે. હકિકતમાં બલિ આપવાનો અર્થ શું છે?
કાલી માતાનું સ્વરૂપ દેખાવમાં ભયંકર છે. માતાને ક્રોધ અને સંહારની દેવી પણ માનવામાં આવે છે. લોક કલ્યાણ માટે કાલી માતાએ અનેક રાક્ષસોનો વધ કર્યો છે. તો, શું આવા રાક્ષસોનો વધ કરનારી મહાકાળી તેમના ભક્તો પાસેથી બલિની અપેક્ષા રાખે છે? શું કાલી માતા બલિ ચઢાવવાથી પ્રસન્ન થાય છે?
મોટા ભાગના મનુષ્યો પોતાના સ્વાર્થ માટે દેવી-દેવતાઓની પૂજા કરે છે. લોકો તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે બલિ પણ આપતા હોય છે. કાલી માતા કોઈનો વધ કરી બલિ ચઢાવવાથી પ્રસન્ન થઈ ભક્તની ઇચ્છા પૂર્ણ કરતા નથી. જે લોકો આજે પણ બલિ પ્રથામાં વિશ્વાસ કરે છે, તેમની માનસિકતા એ છે કે, બલિ આપીને તે સમૃધ્ધ અને સુખી થશે. આ પ્રકારના કાર્યથી કોઈ દેવી-દેવતા પ્રસન્ન થતા નથી.
બલિ આપવા માટે હંમેશા એવા વ્યક્તિ કે પશુને પસંદ કરવામાં આવે છે, જે જીવંત અને ઉર્જાવાન હોય. વૃદ્ધ પશુઓની ક્યારેય બલિ આપવામાં આવતી નથી. ઘણા લોકો તો તેમના બાળકોની પણ બલિ આપતા હોય છે. બલિ પ્રથા અધ્યાત્મ સાથે જોડાયેલી છે, તે એક સંપૂર્ણ પાયાવિહોણો વિચાર છે. આધ્યાત્મિકતાને બલિ સાથે કોઈ જ લેવા-દેવા નથી. આધ્યાત્મિકતા આ ભૌતિક વિશ્વથી સંપૂર્ણ રીતે અલગ છે.