સોનલને જાજીરે ખમાયું! જૂનાગઢના મઢડામાં થયું હતું મા સોનલનું પ્રાગટ્ય, જાણો આઈશ્રીની પ્રગટભૂમિનો મહિમા

|

Apr 09, 2022 | 9:11 AM

મઢડામાં આવેલો આઈશ્રી સોનલનો આ દરબાર એટલે તો ભક્તોને મન જાણે માતાનો ખોળો. એ ખોળો કે જ્યાં ભર તડકેય બાળકને છાંયો મળે અને દુઃખોથી ઘેરાયેલાં મનને પ્રેમભરી શાતા મળે. એ જ કારણ છે કે નાનકડું મઢડા બારેયમાસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે.

જય સોનલ શક્તિ સુખ કરની । જય હમીર સુતા દુઃખ હરની ।।

રાણલ પુત્રી જનની ભવાની । અસુર મર્દિની ચંડી સમાની ।।

શ્યામ લોબડી નયન વિશાલા । શક્તિ સ્વરૂપે ચારન બાલા ।।

સોનલ રૂપે તુંહી સુહાવે । બાલક દરશન કર સુખ પાવે ।।

 

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મઢડા નામે નાનકડું ગામ આવેલું છે. આ મઢડા એટલે જ આઈશ્રી સોનલનું જન્મસ્થાન. આઈશ્રી સોનલ મા એટલે મૂળે તો ચારણકુળના ઉદ્ધારક માત. કે જેમણે તેમના શબ્દોથી, તેમના કાર્યોથી અને પરચાઓથી એવી સુવાસ પ્રસરાવી કે જે આજે તેમના અવતરણના આટલા સમય બાદ પણ અનેકોને તારી રહી છે. મઢડા ધામમાં આજે મા સોનલનું અત્યંત સુંદર મંદિર શોભાયમાન છે.

કલાત્મક કોતરણીઓથી શોભતા મઢડાના મંદિર પર આઈશ્રી સોનબાઈના નામનો જયકાર કરતી ધજા સદૈવ ફરફરતી રહે છે. માની ધજાના દર્શન કરી ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે. જ્યાં તેમને મા સોનબાઈની અત્યંત ભાવવાહી પ્રતિમાના દર્શન થાય છે. મઢડાવાળી મા સોનલનું આ સ્વરૂપ દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને માના પરમ વાત્સલ્યનો અનુભવ કરાવે છે. માના નેત્રમાંથી થઈ રહેલી નેહની વર્ષા ભક્તોને આજે પણ સોનબાઈના હાજરાહજૂરપણાની પ્રતિતિ કરાવે છે અને એટલે જ તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે.

આઈશ્રી સોનલનું સમગ્ર જીવન સાત્વિક ઊર્જા, પવિત્રતા અને પુરુષાર્થથી ભરેલું રહ્યું. તેમણે ચારણ સમાજને એક કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું. લોકોને શિક્ષણ અંગે જાગૃત કરવા માએ ગામે-ગામ પ્રવાસ કર્યો. ચારણ વિદ્યાર્થીઓ માટે તેમણે છાત્રાલયો શરૂ કરાવ્યા. લોક કલ્યાણની આ યાત્રા પછી તો અઢારે વર્ણ સુધી વિસ્તરી. કહે છે કે આ સમયે માએ વિવિધ સમાજના લોકોને તેમના પરચાઓ આપ્યા. જેમણે માને સાચા મનથી યાદ કર્યા, માએ તેની વ્હારે આવી તેમના દુઃખ દૂર કર્યા. આજે એ જ અનુભૂતિ મઢડા આવનારા શ્રદ્ધાળુઓને પણ થઈ રહી છે.

મઢડામાં આવેલો આઈશ્રી સોનલનો આ દરબાર એટલે તો ભક્તોને મન જાણે માતાનો ખોળો. એ ખોળો કે જ્યાં ભર તડકેય બાળકને છાંયો મળે અને દુઃખોથી ઘેરાયેલાં મનને પ્રેમભરી શાતા મળે. એ જ કારણ છે કે નાનકડું મઢડા બારેયમાસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ભક્તો પર માતાની જેમ જ વાત્સલ્ય વરસાવે છે આ કાલિકા ! જાણો કોલકાતાની દક્ષિણેશ્વર કાલીનો મહિમા

આ પણ વાંચો : મા અંબા ભવાની એટલે ગિરનાર ક્ષેત્રની અધિષ્ઠાત્રી, જાણો સ્થાનક કેમ કહેવાયું ઉદયનપીઠ ?

Published On - 9:11 am, Sat, 9 April 22

Next Video