મા ખોડિયાર (khodiyar) એટલે તો એ નામ કે જેના સ્મરણ માત્રથી જ ચિંતાઓનું શમન થતું હોવાની ભક્તોને અનુભૂતિ થાય. એટલું જ નહીં, નિરાશાઓ વચ્ચે પણ નવી આશાઓનો સંચાર થઈ જાય. ત્યારે અમારે આજે કરવી છે એક એવાં જ ખોડલધામની વાત કે જેના સાનિધ્યે પગ મૂકતાં જ ભક્તો પ્રસન્નચિત્ત થઈ જતા હોય છે. પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા નામે નાનકડું ગામ આવેલું છે. સમીથી લગભગ 9 કી.મી.ના અંતરે સ્થિત આ નાનકડું ગામ આજે સમગ્ર ભારતમાં મા ખોડલના ધામ તરીકે પ્રસિદ્ધ છે. કારણ કે અહીં માનું અત્યંત ભવ્ય અને સુંદર મંદિર શોભાયમાન છે.
અહીં મંદિર મધ્યે માતા ખોડલની અત્યંત ભાવવાહી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અદભુત શણગાર સાથેનું માતાનું રૂપ એટલું તો મનોહારી ભાસે છે, કે એવું લાગે કે, જાણે મા હમણાં બોલશે ! વાસ્તવમાં તો આ એ સ્થાનક છે કે જેની સાથે બબ્બે આઈશ્રીનો નાતો જોડાયેલો છે. એક સ્વયં મા ખોડિયારનો, અને બીજો માતા વરુડીનો.
પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ પર સાંગા સારણ કરીને મા ખોડિયારના પરમ ભક્ત થઈ ગયા. સાંગા સારણ એ ભોળા ગોવાળના નામે પણ જાણીતા હતા. કહે છે કે ભોળા ગોવાળે વિ. સં. 1365માં આઈ વરૂડીની હાજરીમાં જ વરાણામાં મા ખોડિયારનું મંદિર બંધાવ્યું હતું. અને સ્વયં માતા વરૂડીના હસ્તે જ આસો સુદ આઠમે મા ખોડિયારની પ્રતિષ્ઠા કરાવી હતી ! સ્વયં આઈશ્રી વરુડીના હસ્તે આઈશ્રી ખોડલ વિદ્યમાન થયા હોઈ ભક્તોને આ સ્થાનક પ્રત્યે અપાર આસ્થા છે. કહે છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો. મૂળે તો વરાણાની ખોડિયાર શેરમાટીની ખોટ પૂરનારા મનાય છે !
દંતકથા એવી છે કે માતા ખોડિયાર સ્વયં વરાણામાં પધાર્યા હતા અને અહીંના નેસડામાં રોકાયા હતા. વરાણા એ આહિરોનું ગામ હતું. જ્યાં એક નિઃસંતાન આહિરને માના આશીર્વાદથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. અને સમગ્ર પંથકમાં મા ખોડિયારનો જય જયકાર વર્તાઈ ગયો. કહે છે કે તે સમયે ખુદ મા ખોડલે જ તેમના ભાઈ મેરખીયાને વરાણામાં ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન કર્યા. માએ તેમના ભાઈને વચન દીધું હતું કે, “તલવટ તને ચઢશે અને ભક્તોને સંતાન હું આપીશ !” બસ, એ જ કારણ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતાનની કામના સાથે વરાણાની ખોડલની શરણે આવે છે. અને કહે છે કે માના આશિષથી જેમના ઓરતા પરિપૂર્ણ થયા છે તે અહીં સવામણ તલવટ એટલે કે સાની માતાને અર્પણ કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ અહીં જ વામનદેવે રાજા બલિ પાસે માંગ્યું હતું ત્રણ પગલા ભૂમિનું દાન ! જાણો વંથલીના વામનદેવનો મહિમા
આ પણ વાંચોઃ મા ખોડલનાં પ્રાગટ્ય દિને જાણો તેમની પ્રગટભૂમિ રોહિશાળાનો મહિમા