Banaskantha: અનાજ કૌભાંડ મામલે સસ્તા અનાજની 20 દુકાનનાં પરવાના રદ, તંત્રની 10 ટીમે શરૂ કરી કડક તપાસ
કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતા સસ્તા અનાજની 20 દુકાનોના વેપારીઓનો પરવાનો રદ કરી દેવાયો છે જેમાં 16 જેટલી દુકાન દાંતા તાલુકાની હોવાનું સામે આવ્યું
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં પ્રકાશમાં આવેલા અનાજ કૌભાંડ(Ration Shop Scam)માં હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતા સસ્તા અનાજની 20 દુકાનોના વેપારીઓનો પરવાનો રદ કરી દેવાયો છે જેમાં 16 જેટલી દુકાન દાંતા તાલુકાની હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલાની તપાસ માટે 10 ટીમો કાર્યરત કરવામાં આવી છે તો 16 દુકાનોનો પરવાનો રદ થતા લાભાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગરીબો પોતાના હકના અનાજથી વંચિત ન રહી જાય. અત્યાર સુધીમાં દાંતાના અનાજ કૌભાંડમાં 8 લોકોની ધરપકડ કરાઇ છે, જ્યારે તપાસ બાદ જેની સંડોવણી સામે આવશે તેમની સામે કડક કાર્યવાહીની વાત અધિકારીઓ કરી રહ્યા છે.
આ સમગ્ર કૌભાંડ અંગેની વાત કરવામાં આવે તો અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી ને 8 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ડીસીપી અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 39 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં 20 જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો પણ સમાવેશ થાય છે. રેશનિંગની દુકાનોમાંથી માલ ન ખરીદતા હોય તેવા લોકોની જાણ બહાર, તેમના ખાતે અનાજનું કૌભાંડ આચરવામાં આવતું હતું.
આરોપીઓ માલ ન ખરીદતા હોય તેવા કાર્ડધારકોના ઓનલાઈન બિલો બનાવીને નાણા મેળવી લેતા હતા. રેશનકાર્ડ ધારકોની જાણ બહાર માહિતી ભેગી કરતા હતા. આંગળીની છાપોના ડેટા, કેમસ્કેનર અને સેવ ડેટાના સોફ્ટવેર બનાવીને આરોપીઓ ડેટા કોપી કરી લેતા હતા અને ખોટા બિલોનો ઉપયોગ સાચા બિલો તરીકે કરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તો આ સમગ્ર મામલે 39 લોકોના નામ ખુલ્યા હતા એટલું જ નહિં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને સુરત સહિતના જિલ્લાઓમાં કૌભાંડ ફેલાયેલું હોવાની માહિતીનાં આધારે પોલીસે આગળની તપાસ પણ શરૂ કરી છે.