Banaskantha : અંબાજીમાં પ્રસાદના નામે ચાલતી લૂંટ બંધ થશે, વહીવટી તંત્રએ લીધો આ મહત્વનો નિર્ણય
13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. જો કે દર્શન માટે શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઇડલાઇન અને SOP નું પાલન કરવાનું રહેશે.
યાત્રાધામ અંબાજીમાં (Ambaji) પ્રસાદના નામે ભક્તો સાથે ચાલતી લૂંટને બંધ કરવા હવે તંત્રએ કમરકસી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી છેતરપિંડીની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને આવી ઘટનાઓ ડામવા વેપારીઓ સાથે સ્થાનિક વહીવટી તંત્રએ બેઠક યોજી. આ બેઠકમાં કેટલાક ઠોસ નિર્ણયો કરાયા.
જે મુજબ હવેથી દરેક વેપારીઓએ ભાવપત્રક લગાવવું પડશે. તો ચાંદીની ખોટી ખાખર વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે. સાથે જ પ્રસાદ માટે રસ્તા પર એજન્ટો પણ નહીં ઉભા રાખી શકાય. તો વેપારીઓ નિયમોનું પાલન કરે છે કેમ તેના પર નજર રાખવા રેવન્યુ વિભાગ, તોલમાપ વિભાગ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો ગુપ્તરાહે વોચ રાખશે. માઇ ભક્તોની મદદ માટે ખાસ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તો પોતાની ફરિયાદ કરી શકશે.
કોરોના સંક્રમણનું જોર ઘટતા દેવસ્થાનો ફરી ધમધમતા થયા છે તે વચ્ચે અંબાજી મંદિર ખૂલ્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. ભક્તો દ્વારા કોરોનાનું સંકટ ફરી ન આવે તે માટે કામના કરવામાં આવી હતી. જણાવવું રહ્યું કે 10 જુનનાં રોજ સરકારે ગાઈડલાઈનમાં રાહત આપ્યા બાદ દેવસ્થાનો ખુલી ગયા હતા. અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાનો યાત્રાળુઓ માટે પણ દર્શન ખોલી નાખવામાં આવ્યા હતા. SOP ને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. જો કે દર્શન માટે શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઇડલાઇન અને SOP નું પાલન કરવાનું રહેશે. પાસ વગર કોઇ પણ શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં મળે.
માતાજીના દર્શન માટે ભાવિકોએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ મેળવવો ફરજીયાત રહેશે તો અંબાજી મંદિર ખુલતા દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શનનો સમય સવારે 7.30 થી 10.45 સુધી, બપોરે 12.30 થી 4.15 સુધી અને સાંજે 7.00 થી રાત્રીના 9 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.