વિદેશી ધરતી પર ફરી એકવાર હિન્દુ સંસ્કૃતિના વખાણ થઈ રહ્યા છે. મૂળ ભારતીય અને બ્રિટનના વડાપ્રધાન PM સુનકે ગઈકાલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બાપુની શરણમાં પહોંચીને પોતાને હિન્દુ વડાપ્રધાન ગણાવ્યા હતા. જે બાદ પીએમ સુનકે કોઈ વડાપ્રધાન નહી પણ એક સામાન્ય માણસની જેમ લોકોને ભોજન પીરસ્યું હતુ. જેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
કથાની આગલી સવારે, મોરારી બાપુએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય સ્વતંત્રતાના 76 વર્ષનાં પ્રતીક તરીકે ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો. તે સમયે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પ્રખ્યાત આધ્યાત્મિક નેતા મોરારી બાપુના રામ કથા આધ્યાત્મિક જ્ઞાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી કારણ કે મોરારી બાપુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના મેદાનમાં ‘માનસ વિશ્વવિદ્યાલય’ નામનું તેમનું 921મું વ્યાખ્યાન યોજ્યું હતું. આ સમયે સુનકે પણ પોતાને હિન્દુ વડાપ્રધાન ગણાવી ભારતીય સાંસકૃતિના વખાણ કર્યા હતા.
તેમના ભાષણની શરૂઆત કરતા, વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું, “ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામ કથામાં આજે હાજર રહેવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, હું આજે અહીં વડાપ્રધાન તરીકે નહીં પણ એક હિન્દુ તરીકે છું! વિશ્વાસ મારા માટે ખૂબ જ અંગત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડા પ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કાર્ય નથી. આપણે કઠિન નિર્ણયો લેવા પડશે, કઠિન પસંદગીઓનો સામનો કરવો પડશે અને અમારો વિશ્વાસ મને મારા દેશ માટે જે શ્રેષ્ઠ છે તે કરવા માટે હિંમત, શક્તિ અને સ્થિતિસ્થાપકતા આપે છે.
ત્યારે બીજી તરફ બાપુની રામકથામાં ઋષિ સુનકનો નવો અંદાજ જોવા મળ્યો હતો. રામકથા બાદ સામાન્ય રીતે કોઈ દેશના વડાપ્રધાન લોકોને ભોજન પીરસે તેવું ભાગ્યે જ જોવા મળ્યું હશે.. પરંતુ ઋષિ સુનકે સાવ સાદગી સાથે લોકોને ભોજન પીરસ્યું હતું. દ્રશ્યોમાં ઋષિ સુનકને કાઉન્ટર પર સેવા આપતા જોઈ શકાય છે… આ દ્રશ્યો જ કહી આપે છે કે ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન હોવા છતાં કેટલું સાદગીભર્યું જીવન જીવે છે. જો કે સુનકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:39 pm, Wed, 16 August 23