
દશેરા અને રાવણ દહનનો પ્રસંગ હોય અને કંઈક મજેદાર જોવા ન મળે, એવું બને ખરું ? સોશિયલ મીડિયા પર હાલમાં રાવણ દહનનો એક એવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો. સામાન્ય રીતે રાવણ દહન વખતે ફટાકડા આકાશમાં અથવા પૂતળાની આસપાસ ફૂટે છે. પરંતુ આ વખતે જાણે રાવણે સીધો લોકો પર જ હુમલો કરી દીધો હોય એવું લાગે છે. પૂતળામાં આગ લગાવતાં જ તેમાંથી એક પછી એક એવા રોકેટ છૂટવા લાગ્યા કે પૂછો જ નહીં! આવા વીડિયો ક્લિપ લગભગ દર વર્ષે દશેરાના અવસર પર વાયરલ થાય છે. તમે પણ જુઓ આ મજેદાર વીડિયો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @vaylasingh નામના હેન્ડલ પરથી એક રસપ્રદ વીડિયો શેર કરવામાં આવ્યો છે. 21 સેકન્ડની આ ટૂંકી ક્લિપમાં જોવા મળે છે કે ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરેલો એક વ્યક્તિ રાવણના પૂતળામાં આગ લગાવે છે. ત્યારબાદ પૂતળું જાણે પોતાના પર થયેલા હુમલાનો બદલો લેવાના મૂડમાં આવી જાય છે.
ત્યાં હાજર કોઈને પણ કદાચ અંદાજો નહીં હોય કે રાવણ સેલ્ફ ડિફેન્સમાં લોકો તરફ જ રોકેટ છોડવા લાગશે! વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાવણના પૂતળામાંથી એક પછી એક અનેક રોકેટ સીધા ભીડ તરફ છૂટે છે. આ દૃશ્ય જોઈને એવું લાગે છે કે જાણે રાવણ ખરેખર ગુસ્સે થઈને લોકો પર પોતાના અગ્નિબાણ વરસાવી રહ્યો હોય.
વીડિયોમાં રામલીલાનાં પાત્રો ભજવતા કલાકારો અને સામાન્ય લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગતા જોવા મળે છે. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. જોકે, વાયરલ ક્લિપ સાથે જોડાયેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આખા દૃશ્યને વધુ રમૂજી બનાવી દે છે. ઇન્ટરનેટ યુઝર્સ આ વાયરલ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “લાગે છે કે લંકેશ આજે કંઈક વધારે જ ગુસ્સામાં હતો.” બીજા યુઝરે મજાકમાં કહ્યું, “રાવણ એક-એકનો હિસાબ લઈ રહ્યો છે.” જ્યારે અન્ય એક યુઝરે ભાગતા લોકોના દૃશ્યને એકદમ એપિક ગણાવ્યું.
રાવણ દહન દરમિયાન બનેલી આવી અણધારી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેમાં એક મજેદાર વીડિયો એવો પણ છે, જેના કેપ્શનમાં લખ્યું છે, આ ગયે મેરે મોત કા તમાશા દેખને