એસટી બસમાં બેસવાની જગ્યા ન હોવાથી ક્યારેક કોઈ બિચારો ભલો માણસ ઊભો રહેતો હોય છે. કોઈ મુસાફર ઊભો થાય અને આપણને બેસવાની જગ્યા મળે એવી આશામાં તેની નજર સીટ પર બેઠેલા મુસાફરની દરેક ગતિવિધિ પર હોય છે. પરંતુ એક ભાઈએ બસમાં બેસવાની જગ્યા ન મળી તો અનોખો જ જુગાડ કરી નાખ્યો. તે બસમાં બેગ અને અન્ય સામાન રાખવા માટે બનાવેલા રેકમાં જ આરામથી લાંબો થઈને સૂઈ ગયો. મુસાફરની આ મસ્તી જોઈને કંડક્ટરનો પારો ચઢી ગયો હતો, જ્યારે અન્ય મુસાફરોને હસવું કે રડવું એ જ સમજાતું નહોતું. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નંદુરબાર જિલ્લામાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરની આ હરકત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એસટી બસમાં ભારે ભીડ હતી. બસ મુસાફરોથી ભરેલી હતી અને અન્ય મુસાફરો ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. સીટ ખાલી થાય અને બેસવાની જગ્યા મળે તેવી આશામાં દરેક મુસાફર ઊભા હતા. પરંતુ એક માણસ કંઈક અલગ જ વિચાર લઈને બેઠો હતો. તેને રાહ જોવી જાણે પસંદ નહોતી. બેસવાની જગ્યા મળશે ત્યારે મળશે, પરંતુ ત્યાં સુધી ક્યાંક તો આરામ કરવો જ છે એવું તેનું વલણ હોય તેમ લાગતું હતું. તે અનોખો જુગાડ શોધી કાઢ્યો. સીટની ઉપર મુસાફરોની બેગ અને અન્ય સામાન રાખવા માટે બનાવેલા રેકમાં જ તેમણે હાથ-પગ ફેલાવ્યા અને આરામથી સૂઈ ગયો.
આ પ્રકાર મુસાફરોના ધ્યાનમાં આવતાં જ એસટી બસમાં હંગામો મચી ગયો હતો. કેટલાક મુસાફરો તો આ વ્યક્તિને જોઈને ચોંકી ગયા હતા. જ્યારે કેટલાક પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. બસમાં થયેલો હોબાળો કંડક્ટરના ધ્યાનમાં આવ્યો. કંડક્ટરે તરત જ બસ રોકી અને આ વ્યક્તિને નીચે ઉતારવાનો પ્રયાસો શરૂ કર્યા. પરંતુ તે વ્યક્તિ પોતાની આરામદાયક જગ્યા છોડવા માટે તૈયાર નહોતો. કંડક્ટરે પોતાની અહિરાણી ભાષામાં તેને કડક શબ્દોમાં સમજાવ્યો. “નીચે ઉતર, નહીં તો બસ સીધી પોલીસ સ્ટેશન લઈ જઈશ,” એવી ચેતવણી આપ્યા બાદ ક્યાંક જઈને તે વ્યક્તિ નીચે ઉતર્યો. વધુમાં કંડક્ટર મુસાફરને બોલ્યો કે “તમે નવી બસમાં મુસાફરી કરવા લાયક નથી.”
આ ઘટના વચ્ચે એક સવાલ પણ ઊભો થાય છે કે જો કોઈ રૂટ પર મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હોય અને બસોમાં ભારે ભીડ રહેતી હોય, તો એસટી તંત્રએ તે રૂટ પર વધારાની બસો કેમ ન ચલાવવી જોઈએ? ખાસ કરીને તહેવારો, રજાઓ કે અન્ય વ્યસ્ત દિવસોમાં મુસાફરોની સંખ્યા વધે ત્યારે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવે તો મુસાફરોને ઊભા રહીને અથવા આવી રીતે મુશ્કેલીમાં મુસાફરી કરવાની ફરજ ન પડે. જોકે, એસટી બસોમાં અડધી ટિકિટ, વિદ્યાર્થીઓની રાહતો અને અન્ય કન્સેશનને કારણે પરિવહન નિગમને થતી આવક-ખર્ચની અસર પણ ધ્યાનમાં લેવી પડે છે. તેમ છતાં, મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માંગ પ્રમાણે બસોની સંખ્યા વધારવા અંગે તંત્રએ વિચાર કરવો જરૂરી છે.