
સોશિયલ મીડિયા પર ક્યારે શું રસપ્રદ જોવા મળી જાય તે કહી નહીં શકાય. દિલ્હીના જંતર-મંતરનો એક એવો જ મજેદાર વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ હસવાનું આવશે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈ જવા માટે બસો તૈયાર હતી. ત્યારે ત્યાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ પહોંચ્યો હતો. ખબર નહીં તેના મનમાં શું આવ્યું કે પોતે જ પોલીસની બસમાં બેસવાની જિદ પકડી લીધી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઇન્ફ્લુએન્સર ખૂબ જ માસૂમ બનીને પોલીસકર્મીઓને ભાવનાત્મક અપીલ કરતા જોવા મળે છે. તેઓ કહે છે, “સર, અમે ત્રણ મિત્રો સાથે આવ્યા છે. જો હું અહીંથી મારા દોસ્તોથી દૂર થઈ ગયો તો એકલો ક્યાં જઈશ? પ્લીઝ, મને પણ અંદર જવા દો.” પોલીસકર્મીઓએ પણ તેની વાત માની લીધી. તેમણે વિચાર્યું કે ચાલો, મિત્રોની વાત છે એટલે દરવાજો ખોલીને તેને પણ બસની અંદર જવા દઈએ. ઇન્ફ્લુએન્સર પણ ખૂબ જ ઉત્સાહમાં બસની અંદર પહોંચી ગયો. જાણે હવે મિત્રો સાથે પોલીસની બસની સવારીનો આનંદ માણવાનો હોય.
ઇન્ફ્લુએન્સર જેવો બસની અંદર પહોંચ્યો કે નજારો બદલાઈ ગયો. જે મિત્રો માટે તે હીરો બનીને બસમાં ઘૂસ્યો હતો, તેઓ તો પહેલેથી જ બારી અને ઇમરજન્સી ગેટમાંથી ચૂપચાપ બહાર નીકળી ગયા હતા. ઇન્ફ્લુએન્સર જ્યારે ખાલી બેઠકો જોઈ અને પોતાના મિત્રોને બહાર ભાગતા જોયા, ત્યારે તેના પણ હોશ ઊડી ગયા. તે ગભરાઈને બોલ્યો, “અરે ભાઈ! મારા મિત્રો તો બહાર નીકળી ગયા, હવે મને પણ જવા દો.”
પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મહિલા પોલીસકર્મીએ ઝડપથી બસનો દરવાજો બંધ કરી દીધો હતો. હવે ઇન્ફ્લુએન્સર બસની અંદર અને બાકીના પ્રદર્શનકારીઓ તેને જોઈને હસતા હતા. તેઓ કહેવા લાગ્યા, “અરે ભાઈ, ડરો નહીં! અમે છીએ ને તમારી સાથે, ક્યાંય નહીં જવા દઈએ.”
આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ મજા લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ભાઈ પિકનિક મનાવવા થોડી જઈ રહ્યો હતો કે પોતે જ જેલની ગાડીમાં ઘૂસી ગયો.” અન્ય એક યુઝરે કહ્યું, “જ્યારે આવા મિત્રો હોય તો દુશ્મનની શું જરૂર?”