
કોરોના કાળ પછી ભલે વર્ક ફ્રોમ હોમ કલ્ચર સામાન્ય બની ગયું હોય પરંતુ ઘરેથી કામ કરવાના પણ અલગ ‘પડકારો’ હોય છે. ક્યારેક પાછળથી મમ્મીનો અવાજ આવી જાય છે, તો ક્યારેક કુકરની સીટી તમારી આખી પ્રોફેશનલ ઈમેજની ‘બેન્ડ બજાડી’ દે છે. જો કે, આ વખતે જે થયું તેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
એક છોકરી તેની કંપનીના સહકર્મીઓ અને બોસ સાથે ઝૂમ મીટિંગમાં વ્યસ્ત હતી, ત્યારે જ અચાનક તેના પપ્પાની એન્ટ્રી થઈ અને પછી જે ‘ક્લાસ’ લીધો તે જોવા જેવો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ‘Life at Zorcha’ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવેલો આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, શ્રેયા નામની છોકરી તેની ટીમ મેમ્બર અર્ચિત અને સહકર્મીઓ સાથે ઓનલાઈન મીટિંગમાં છે. અચાનક રૂમમાં તેના પપ્પા આવે છે અને હાથમાં પાર્સલ પકડાવતા બૂમ પાડે છે કે, આ શું ચક્કર છે તારું? રાત્રે પોણા 12 વાગ્યે તારા પાર્સલ આવી રહ્યા છે, તારા આ પાર્સલ જોઈને મારા બીપીના 12 વાગી જાય છે.
પુત્રી ગભરાઈને ઈશારો કરે છે કે, તેની ઓફિસ મીટિંગ ચાલી રહી છે પરંતુ ‘બાપ તો બાપ હોય છે’, પપ્પા રોકાવાને બદલે સીધા લેપટોપની સ્ક્રીન સામે આવી જાય છે. સ્ક્રીન પર પુત્રીના બોસ અને સહકર્મીઓને જોતા જ પપ્પાનો પારો વધુ ચડી જાય છે. તેઓ સીધા જ પૂછી બેસે છે કે, “બેટા આને સમજાવો, આ પૂરી સેલેરીમાંથી એક પૈસાની સેવિંગ કરતી નથી, આને સેલેરી કોણ આપે છે? આના પર સહકર્મી હસતા હસતા હાથ ઊંચો કરીને કહે છે કે, ‘હું આપું છું અંકલ’.
વીડિયો જોઈને તમે પણ ચોક્કસ હસી પડ્યા હશો. આ રમુજી વીડિયો લોકો વચ્ચે છવાયેલો છે અને યુઝર્સ તેના પર ભારે ચટાકા લઈ રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે, આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો કે મજેદાર માર્કેટિંગ સ્ટ્રેટેજી હોઈ શકે છે પરંતુ આમ છતાં લોકો આની સાથે પોતાને જોડાયેલા અનુભવી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, અંકલે તો આજે બધાની સામે જ બરાબરની ધોલાઈ કરી નાખી. બીજા યુઝરે લખ્યું કે, દરેક મિડલ ક્લાસ ઘરના પપ્પાની સેવિંગ્સ અને પાર્સલ્સને લઈને આ જ હાલત હોય છે.