
ટૂથપેસ્ટ ખરીદતી વખતે મોટાભાગના લોકો બ્રાન્ડ્સ દ્વારા કરવામાં આવતા ગુણવત્તાના દાવાઓ પર વિશ્વાસ કરે છે. પરંતુ બાંગ્લાદેશમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસે આ વિશ્વાસ પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.
પર્યાવરણ અને સામાજિક વિકાસ સંગઠન (Environment and Social Development Organization – ESDO) દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ટૂથપેસ્ટના અનેક નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે. આ તારણ માત્ર બાંગ્લાદેશ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ટૂથપેસ્ટની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્યને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે.
ESDO દ્વારા જુલાઈ 2025થી જૂન 2026 દરમિયાન કરવામાં આવેલા અભ્યાસમાં બાંગ્લાદેશ, ભારત, થાઈલેન્ડ અને વિયેતનામમાં ઉત્પાદિત 19 અગ્રણી બ્રાન્ડના કુલ 34 ટૂથપેસ્ટ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નમૂનાઓ છૂટક દુકાનો, સુપરમાર્કેટ અને જથ્થાબંધ બજારોમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા અને જહાંગીરનગર યુનિવર્સિટીની પર્યાવરણીય આરોગ્ય અને ઇકોટોક્સિકોલોજી લેબોરેટરીમાં તેમની તપાસ કરવામાં આવી હતી.
અભ્યાસના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. પરીક્ષણ કરાયેલા 34 નમૂનાઓમાંથી 26માં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા હતા, જે કુલ નમૂનાઓના આશરે 76.5 ટકા જેટલા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ટૂથપેસ્ટમાં માઇક્રોપ્લાસ્ટિક્સ હોવા જ ન જોઈએ, કારણ કે તેનો ઉપયોગ દરરોજ સીધો મોઢામાં કરવામાં આવે છે.
સ્થાનિક ઉત્પાદનોની વાત કરીએ તો બાંગ્લાદેશમાં ઉત્પાદિત 25 ટૂથપેસ્ટમાંથી 22માં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા હતા. જ્યારે અન્ય દેશોના ઉત્પાદનોમાં પણ આ સમસ્યા જોવા મળી હતી. ભારતના પાંચ નમૂનાઓમાંથી એક, થાઈલેન્ડના બેમાંથી એક અને વિયેતનામના બંને નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી નોંધાઈ હતી.
બાળકો માટે બનાવવામાં આવતા ટૂથપેસ્ટ અંગે પણ ચિંતાજનક માહિતી સામે આવી છે. અભ્યાસમાં સમાવિષ્ટ છ બાળકોના ટૂથપેસ્ટમાંથી ચારમાં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા હતા. તેમાં Kodomo Ultra Shield Formula Strawberry, Meril Baby Strawberry, Meril Baby Orange અને Pepsodent Kids Orange જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, પરીક્ષણ કરાયેલા ટૂથપેસ્ટમાં પ્રતિ 100 ગ્રામ દીઠ 20થી 320 માઇક્રોપ્લાસ્ટિક કણો નોંધાયા હતા. Mediplus Fluoride Gelમાં સૌથી વધુ 320 કણો મળી આવ્યા હતા. જ્યારે Closeup Red Hot અને Closeup Menthol Freshમાં પ્રતિ 100 ગ્રામ 160 કણો નોંધાયા હતા. Kodomo Ultra Shield Formulaમાં 140, Signal Green Teaમાં 120 તેમજ Pepsodent Advanced Salt અને Himalaya Complete Careમાં 100 કણો મળી આવ્યા હતા. Sensodyne Fresh Mintમાં 80 માઇક્રોપ્લાસ્ટિક કણો નોંધાયા હતા.
જોકે, અભ્યાસમાં કેટલીક રાહત આપનારી માહિતી પણ સામે આવી હતી. પરીક્ષણ કરાયેલા આઠ ટૂથપેસ્ટ નમૂનાઓમાં કોઈપણ પ્રકારના માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા નહોતા. તેમાં ZenFresh, Parachute Just for Baby Mango અને Closeup Red Hot Zinc Fresh Technology જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, માઇક્રોપ્લાસ્ટિક્સ પાંચ મિલીમીટરથી નાના પ્લાસ્ટિકના કણો હોય છે, જે પ્લાસ્ટિક કચરો, કૃત્રિમ કાપડ અને અન્ય પ્લાસ્ટિક ઉત્પાદનોના વિઘટનથી બને છે. આ કણો હવા, પાણી અને ખોરાક દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે. વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો સૂચવે છે કે માઇક્રોપ્લાસ્ટિક્સ શ્વસનતંત્ર, પાચનતંત્ર, નર્વસ સિસ્ટમ, રોગપ્રતિકારક શક્તિ અને હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ઉપરાંત, તે શરીરમાં બળતરા, હોર્મોનલ અસંતુલન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને ગર્ભના વિકાસ પર પણ અસર કરી શકે છે.
ESDOના આ અભ્યાસ બાદ ટૂથપેસ્ટમાં વપરાતા ઘટકોની ગુણવત્તા અને નિયમન અંગે ચર્ચા તેજ બની છે. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રાહકોની સુરક્ષા માટે આવા ઉત્પાદનોની નિયમિત તપાસ અને કડક ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે, જેથી રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓથી સ્વાસ્થ્ય પર કોઈ જોખમ ઊભું ન થાય.
1 ઓગસ્ટથી LPGના ભાવથી લઈને ITR અને બેંકિંગ સુધી બદલાશે અનેક નિયમો