ભાઈ-બહેનની પ્રિતનો પર્વ રક્ષાબંધન (rakshabandhan) દર વર્ષની શ્રાવણી પૂનમે ઉજવાતો હોય છે. આ વખતે આ અવસર 22 ઓગષ્ટ, રવિવારના રોજ છે. આમ તો પૂર્ણિમાનો સમગ્ર દિવસ રાખડી બાંધવા માટે શુભ મનાય છે. પણ, ક્યારેક જો ભદ્રાકાળનો યોગ સર્જાયો હોય, તો જ રાખડી કયા સમયમાં બાંધવી તેને લઈને મૂંઝવણ ઉભી થતી હોય છે. આ વખતે સારી બાબત એ છે કે આ રક્ષાબંધન પર આવો કોઈ અશુભ યોગ નથી. ઉપરથી રક્ષાબંધન પર બે શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આ સંયોગ એટલે શોભન યોગ અને ધનિષ્ઠા યોગ.
શોભન યોગ
શોભન યોગ રવિવારે સવારે 10:34 સુધી રહેશે. આ યોગ માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ મનાય છે. એટલે, શક્ય હોય તો આ યોગ દરમિયાન જ રાખડી બાંધવી. તો, આ સમય દરમિયાન કરેલી યાત્રા પણ કલ્યાણકારી મનાય છે. એટલે કે, આ સમયમાં રાખડી બાંધવા માટે બહેન ભાઈના ઘરે કે ભાઈ બહેનના ઘરે જવા મુસાફરી કરી શકે છે.
ધનિષ્ઠા યોગ
રવિવારે સાંજે 7:40 સુધી ધનિષ્ઠા યોગ રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે. તો, આ નક્ષત્રમાં જન્મેલા લોકોને તેમના ભાઈ-બહેન પ્રતિ સવિશેષ પ્રેમ હોય છે. એટલે આ નક્ષત્રમાં પડતી રક્ષાબંધન ભાઈ-બહેનના પરસ્પરના પ્રેમને વધારશે તેવી માન્યતા છે.
આમ તો આ વખતે કોઈ દૂષિત યોગ ન હોઈ આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. છતાં, જો સર્વોત્તમ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધવામાં આવે તો તે ભાઈ અને બહેન બંન્ને માટે વધુ ફળદાયી બની રહેશે. કેટલાંક લોકો મુહૂર્ત જોઈને જ રાખડી બાંધવાના આગ્રહી હોય છે. ત્યારે આવો જાણીએ, શુભ ચોઘડીયા અનુસાર રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત.
શ્રેષ્ઠ મુહૂર્ત
રવિવાર, 22 ઓગષ્ટ
સવારે 7:55 થી બપોરે 12:40 સુધી
બપોરે 2:25 થી બપોરે 4:00 સુધી
રાખડી બાંધવાના આ સર્વોત્તમ મુહૂર્ત છે. આ સિવાય સાંજના સમયે પણ રાખડી બાંધી શકાય.
આ પણ વાંચોઃ શું તમે દેવતાઓને બાંધો છો રાખડી ? એક રક્ષાસૂત્રથી દેવતા દેશે સુખી જીવનના આશિષ !
આ પણ વાંચોઃ શું તમને ખબર છે રાખડી બાંધતી વખતે બોલવાનો આ મંત્ર ? એક મંત્ર કરશે ભાઈની રક્ષા !