ગજાનન ગણેશ (GANESH) એટલે તો એવાં દેવતા કે જે ઝડપથી રીઝનારા અને શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. એમાંય શ્રીગણેશજીને તો જાસૂદનું પુષ્પ અને દૂર્વા અત્યંત પ્રિય છે. અને એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ વક્રતુંડની પૂજા સમયે જાસૂદ પુષ્પ અને દૂર્વાનો અચૂક પ્રયોગ કરે જ છે. તો, ભક્તઘેલાં ગજાનન પણ તેનાથી પ્રસન્ન થઈ શ્રદ્ધાળુઓ પર કૃપાની વૃષ્ટિ કરે છે. પણ, શું તમે ક્યારેય પર્ણથી પાર્વતીનંદનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે ? શું તમે ક્યારેય પુષ્પની જેમ પાંદડાથી વક્રતુંડની આરાધના કરી છે ખરી ? જી હાં, પાંદડાથી !
કહે છે કે પુષ્પથી પ્રસન્ન થનારા ગણેશજીને તો પર્ણ પણ એટલાં જ પ્રિય છે. ગજાનનને જેમ પુષ્પનો લાલ રંગ વધારે પસંદ છે. એ જ રીતે વૃક્ષના પત્તાઓનો લીલો રંગ પણ લંબોદરને પ્રિય છે. અને એટલે જ પાંદડાઓથી થતી વિઘ્નહર્તાની ઉપાસના અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવી શકે છે ! ત્યારે આવો, આજે એ જાણીએ કે કયા નવ પ્રકારના પર્ણ વિઘ્નહરને અર્પણ કરવાથી ભક્તની વિવિધ કામનાઓની થતી હોય છે પૂર્તિ ?
ભાંગરાના પાનથી પૂજા
“ૐ ગણાધીશાય નમઃ” મંત્ર બોલતા શ્રીગણેશને ભાંગરાના નવ પાન અર્પણ કરવા. તેનાથી ભક્તને ઉચ્ચ પદની પ્રાપ્તિ થવાની માન્યતા છે.
બીલીપત્રથી પૂજા
સંતાનની કામના પરિપૂર્ણ થાય તે અર્થે બીલીપત્રથી શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. બિલ્વના નવ પાન “ૐ ઉમાપુત્રાય નમઃ” બોલતા ગૌરીસુતને અર્પણ કરવા.
બોરના પાનથી પૂજા
સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પૂજામાં બોરના નવ પાનનો પ્રયોગ કરવો. બોરના પાન અર્પણ કરતા બોલવાનો મંત્ર છે “ૐ લંબોદરાય નમઃ”
વાલોળના પાનથી પૂજા !
ઘણીવાર એવું બને કે શુભ કાર્યો વચ્ચે અનેક પ્રકારના વિઘ્ન આવીને ઉભા રહી જાય. ત્યારે કાર્ય આડેની અડચણો દૂર કરવા ગણેશપૂજામાં પાપડી કે વાલોળના પાનનો ઉપયોગ કરો. વાલોળના નવ પાન લઈ “ૐ વક્રતુંડાય નમઃ” બોલતા ગણેશજીને તે અર્પણ કરવા.
તમાલપત્રથી પૂજા !
જે વ્યક્તિને યશ પ્રાપ્તિની ઝંખના છે, તે ભક્તોએ વિઘ્નહરને નવ તમાલપત્ર અર્પણ કરવા. આ પૂજનવિધિ માટેનો મંત્ર છે “ૐ ચતુર્હૌત્રે નમઃ”
કરેણના પાનથી પૂજા
નોકરી પ્રાપ્તિ અર્થે કરેણના પાંદડા લાભકર બની રહેશે. ગણેશજીને કરેણના નવ પાંદડા કરતા બોલવાનો મંત્ર છે “ૐ વિકટાય નમઃ”
કેવડાથી પૂજા
વ્યવસાયમાં લાભ મેળવવા માટે કેવડાથી શ્રીગણેશનું પૂજન કરવું. આ પૂજા સમયે “ૐ સિદ્ધિવિનાયકાય નમઃ” મંત્રનો જાપ કરવો.
આંકડાના પાનથી પૂજા
કહે છે કે એકદંતાને આંકડાના પાન અર્પણ કરવાથી ભક્તને આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો તે માટે ગજાનનને આંકડાના નવ પાન અર્પણ કરતા “ૐ વિનાયકાય નમઃ” મંત્રનો જાપ કરવો.
શમીના પાનથી પૂજા
જે લોકો શનિદેવની પનોતીથી પીડાઈ રહ્યા છે તેમણે ગણેશપૂજામાં શમીના વૃક્ષના પાનનો ઉપયોગ કરવો. આ પાન અર્પણ કરતા “ૐ સુમુખાય નમઃ” મંત્રનો જાપ કરવો.
કહે છે કે આસ્થા સાથે પાર્વતીનંદનને પાન અર્પણ કરવામાં આવે, તો તે ચોક્કસથી પ્રસન્ન થાય છે. અને ભક્તની દરેક સમસ્યાનું નિવારણ કરી તેને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. આ પૂજા આમ તો ગમે તે દિવસે કરી શકાય. પણ, તે મંગળવાર, બુધવાર, સંકષ્ટી તેમજ ગણેશોત્સવમાં વિશેષ લાભદાયી બની રહેશે. પણ, હા, પાનથી પ્રસન્ન થનારા પાર્વતીનંદનને તુલસીનું પાન ક્યારેય અર્પણ ન કરવું. કારણ કે, એક માત્ર તુલસીપાનનો જ ગણેશપૂજામાં નિષેધ છે.
આ પણ વાંચોઃ જાણો શા માટે માળામાં હોય છે 108 મણકા? વાંચો ચાર માન્યતા વિશે