
ભારતીય રેલવેની સફર દરમિયાન સામાન્ય રીતે ભીડ અને હો હાના દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક સાવ અલગ જ વીડિયો વાયરલ થયો છે. ઇન્ડિયન રેલવેના ફર્સ્ટ એસી કેબિનનો એક વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં આખા રેલવે કોચને કોઈ લક્ઝરી હોટલના ‘હનીમૂન સ્યુટ’ની જેમ શણગારવામાં આવ્યો છે.
ટ્રેન ચાલુ હતી તે દરમિયાન કેબિનની અંદર હજારો ગુલાબની પાંખડીઓ, સુંદર ફૂલોની ગોઠવણી, રંગબેરંગી ફુગ્ગા અને દીવાલ પર ‘આઈ લવ યુ’ લખેલું જોવા મળ્યું હતું. આ અનોખો નજારો જોઈને પ્રવાસીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ રોમેન્ટિક સરપ્રાઈઝનો વીડિયો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોએ આ ભવ્ય અને રોમેન્ટિક આઈડિયાના વખાણ કર્યા છે અને તેને ખાસ દિવસની ઉજવણીની યાદગાર રીત ગણાવી છે. તો બીજી તરફ, ઘણા યુઝર્સે ચાલતી ટ્રેનમાં આવી સજાવટ કરવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
લોકોનું કહેવું છે કે ફુગ્ગા, કાગળ અને ફૂલો જેવી વસ્તુઓથી ટ્રેનમાં આગ લાગવાનું જોખમ વધી શકે છે. આનાથી સફાઈ અને મુસાફરોની સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થાય છે કે નહીં તેવો વિવાદ પણ છેડાયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્રેનને મજાકમાં ‘સુહાગરાત એક્સપ્રેસ’ અથવા ‘વ્હીલ્સ પર સુહાગરાત’ કહીને તેના પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. લોકો રેલવે પ્રશાસન પાસે ખુલાસો માંગી રહ્યા છે કે શું ખાનગી વ્યક્તિને ટ્રેન સજાવવાની મંજૂરી મળી શકે?
આ મામલે જ્યારે રેલવે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં કોઈ નિયમોનો ભંગ થયો નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સંબંધિત મુસાફરે ફર્સ્ટ એસી કેબિનની બંને બર્થ બુક કરાવી લીધી હતી, તેથી તે આખી કેબિન તેમના ખાનગી ઉપયોગ માટે સુરક્ષિત હતી. આ સજાવટથી રેલવેની મિલકતને કોઈ નુકસાન થયું નથી કે ટ્રેનની કામગીરીમાં કોઈ ખલેલ પડી નથી, અને રેલવેમાં આવી સજાવટ પર પ્રતિબંધ મૂકતો કોઈ ચોક્કસ નિયમ નથી.
આ સજાવટ કરનાર મહારાષ્ટ્રની ડેકોરેશન એજન્સીએ જણાવ્યું કે જાલનાના એક કપલ માટે આ આયોજન કરાયું હતું. કપલ જ્યારે કાર દ્વારા ઔરંગાબાદથી જાલના રેલવે સ્ટેશન આવી રહ્યું હતું, ત્યારે તેમની ટીમે એડવાન્સમાં ટ્રેનની કેબિન સજાવી દીધી હતી અને આ માટે રેલવેની કોઈ ખાસ મંજૂરી લેવાની જરૂર પડી નહોતી.
A First AC coach has reportedly been decorated with a “honeymoon-style” setup.
The Railway administration must explain: is it’s allowed? @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw @PMOIndia pic.twitter.com/ofE4AGawJH
— The Nalanda Index (@Nalanda_index) July 7, 2026