
કોઈ પોતાના સ્વજનના ગયા પછી તેની યાદોને તસવીરોમાં શોધે છે, કોઈ તેમના કપડાં સાચવી રાખે છે, તો કોઈ તેમની ગમતી વસ્તુઓને સંભાળીને જીવે છે. પરંતુ જાપાનમાંથી સામે આવેલી આ કહાની માનવ સંવેદના અને માના પ્રેમની એક એવી અદ્ભુત મિસાલ છે, જે કોઈપણ કઠોર દિલના માણસને પણ રડાવી દે. અહીં એક પિતા અને પુત્રીએ પોતાની દિવંગત માતાના હાથથી બનેલું છેલ્લું ભોજન પૂરા 5 વર્ષ સુધી ફ્રિઝરમાં સહેજીને રાખ્યું હતું.
આ વાર્તા જાપાનની મિઝુકી તાકારાયા અને તેના પિતાની છે. મિઝુકીની માતાએ એક દિવસ ખૂબ જ પ્રેમથી પોતાના પરિવાર માટે જાપાનીઝ વાનગી ‘બુતા નો કાકુની’ (પોર્ક ડિશ) બનાવી હતી. પરંતુ કિસ્મતની બલિહારી તો જુઓ, એ સમયે પરિવારમાંથી કોઈએ પણ વિચાર્યું નહોતું કે આ રસોઈ તેમની માતાના હાથની છેલ્લી રસોઈ બની જશે. ભોજન બન્યાના ગણતરીના કલાકોમાં જ માતાને અચાનક બ્રેન હેમરેજ (Brain Hemorrhage) થયું અને તેમનું અવસાન થઈ ગયું. આ અચાનક આવેલી આપત્તિથી આખો પરિવાર અંદરથી ભાંગી પડ્યો હતો.
માતાના અવસાન બાદ રસોડામાં બચેલું એ ભોજન હવે માત્ર કોઈ ખોરાક નહોતું રહ્યું, પરંતુ તેમાં માતાનો પ્રેમ, તેમના હાથનો સ્વાદ અને તેમની આખરી સ્મૃતિઓ સમાયેલી હતી. પિતા અને પુત્રી બંનેમાંથી કોઈની પણ હિંમત ન થઈ કે તેઓ એ જમવાને ફેંકી દે. આથી, તેમણે માતાની આ આખરી નિશાનીને ફ્રિઝરમાં સાચવી રાખવાનો નિર્ણય કર્યો. દિવસો વીતતા ગયા, મહિનાઓ વિત્યા અને જોતજોતામાં 5 વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો. પરંતુ એ ભોજન ફ્રિઝરના એક ખૂણામાં માતાની યાદ બનીને પડ્યું રહ્યું.
5 વર્ષ પછી દીકરી મિઝુકીના મનમાં ઈચ્છા જાગી કે શું તે ફરી એકવાર પોતાની માના હાથનો એ જ જૂનો સ્વાદ અનુભવી શકે છે? શું 5 વર્ષ સુધી ફ્રિઝરમાં રહેલું ભોજન હજુ પણ ખાવા લાયક હોઈ શકે? આ ભાવુક સવાલ સાથે પરિવારે એક ટીવી શો અને એક્સપર્ટ શેફની મદદ લીધી. બાયોલોજિકલ ટેસ્ટ અને તપાસ બાદ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું કે ડીપ ફ્રીઝ હોવાને કારણે ખોરાકમાં બેક્ટેરિયા નહોતા. ત્યારબાદ એક કુશળ શેફે તેને ખૂબ જ સાવચેતીપૂર્વક પુનઃ તૈયાર કર્યું.
જ્યારે 5 વર્ષ પછી પિતા અને પુત્રીએ તે ભોજનનો પહેલો નિવાલો મોંમાં મૂક્યો, ત્યારે માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં, પરંતુ માતા સાથે વિતાવેલી દરેક પળ તેમની નજર સામે તરી આવી. રસોડામાં માતાની અવાજ, તેમનો પ્રેમ અને કાળજી—બધું જ જીવંત થઈ ગયું. પિતા-પુત્રી બંનેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ માત્ર ભોજન નહોતું, પરંતુ પ્રેમ, લાગણી અને સ્મૃતિઓનો એક એવો સંગમ હતો જે દુનિયાના કોઈ પણ વાનગી કરતાં વધુ અમૂલ્ય હતો.