
વેબસાઇટ બ્રાઉઝ કરતી વખતે ‘I’m Not a Robot’ લખેલું પ્રોમ્પ્ટ ઘણીવાર જોવા મળે છે. હવે એના પર ક્લિક કર્યા પછી તમે પણ વિચારતા હશો કે શા માટે મને એ સાબિત કરવું પડે છે કે હું રોબોટ નથી? અને બીજું કે, સિસ્ટમને કેમની ખબર પડે કે હું માણસ છું?
અસલમાં, આ નાનું ચેકબોક્સ દેખાવમાં સીધું લાગે છે પણ એની પાછળ CAPTCHA (Completely Automated Public Turing test to tell Computers and Humans Apart) નામની એક જટિલ સિસ્ટમ છે . આ સિસ્ટમ વેબસાઈટને સ્પેમ, ડેટા ચોરી અને ફ્રોડથી બચાવવા માટેની હોય છે.
સિસ્ટમ નક્કી કરે કે તમે ‘માણસ છો કે રોબોટ’
જ્યારે તમે ‘I’m Not a Robot’ પર ક્લિક કરો છો, ત્યારે એ માત્ર ક્લિક નથી થતું પરંતુ એ તમારી હરકતોને ધ્યાનમાં રાખે છે. ટૂંકમાં કહીએ તો, જે સિસ્ટમ હોય છે એ તમારું માઉસ મૂવમેન્ટ, સ્ક્રોલ કઈ રીતે કર્યું તે અને ક્યારે ક્લિક કર્યું એ બધું ધ્યાનમાં રાખે છે. જો કે, ત્યારબાદ સિસ્ટમ જ નક્કી કરે છે કે તમે માણસ છો કે રોબોટ. માણસો સામાન્ય રીતે કર્સર ધીમે ધીમે અને અસમાન રીતે ફેરવે છે, જ્યારે રોબોટ ચોક્કસ રીતે કર્સર ફેરવે છે.
બીજું કે, સિસ્ટમ તમારા ડિવાઈસ અને બ્રાઉઝર અંગેની માહિતી ભેગી કરે છે, જેને ‘બ્રાઉઝર ફિંગરપ્રિન્ટિંગ’ કહેવાય છે. જેમ કે IP એડ્રેસ, સ્ક્રીન રિઝોલ્યૂશન, બ્રાઉઝર વર્ઝન, પ્લગઇન્સ, ટાઈમ ઝોન વગેરે. આનાથી એ જાણી શકાય છે કે, તમારું બ્રાઉઝિંગ સેટઅપ સામાન્ય છે કે શંકાસ્પદ.
રોબોટ માટે મુશ્કેલ કાર્ય
જો તમે Google એકાઉન્ટમાં સાઇન ઇન છો અને reCAPTCHAનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારી બ્રાઉઝિંગ હિસ્ટરી અને એક્ટિવિટી જોઇને સિસ્ટમ ચકાસે છે કે તમે માણસ છો કે રોબોટ. જો બધું નોર્મલ લાગે, તો કોઈ પ્રોબ્લમ નથી પણ કંઈક અજીબ લાગશે તો તમને ફોટા પસંદ કરવાનો એક ઓપ્શન આપશે, જેમ કે ટ્રાફિક લાઈટ કે બસની તસવીરો. આ માણસો માટે સરળ કાર્ય હોય છે પણ રોબોટ માટે મુશ્કેલ કાર્ય હોય છે.
ટૂંકમાં કહીએ તો, ‘I’m Not a Robot’ ચેકબોક્સ માત્ર એક ક્લિક નથી. આની પાછળ એક સ્માર્ટ સિસ્ટમ કામ કરે છે, જે તમારા વર્તનથી નક્કી કરે છે કે તમે વ્યક્તિ છો કે નહીં. CAPTCHA એક ડિજિટલ ગેટકીપર છે જે વેબસાઈટને ઓટોમેટેડ ટ્રાફિકથી બચાવે છે.