ભારતીય મૂળના સીઈઓ (CEO) અને અન્ય સિનિયર એક્ઝિક્યુટિવ્સ ઘણી મોટી જાયન્ટ્સ કંપનીઓમાં છે. હવે આ યાદીમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે. એક ભારતીયને ગૂગલના નવા બ્લોકચેન વિભાગ (Google Blockchain)ની જવાબદારી સોંપવામાં આવી છે. એન્જિનિયર શિવકુમાર વેંકટરામન (Shivakumar Venkataraman)ને ગૂગલમાં વરિષ્ઠ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવકુમાર વેંકટરામન ગૂગલના ‘બ્લોકચેન અને અન્ય નેક્સ્ટ-જનર કોમ્પ્યુટિંગ અને ડેટા સ્ટોરેજ ટેક્નોલોજી’ની જવાબદારી સંભાળશે. તેઓ લગભગ બે દાયકા એટલે કે 20 વર્ષથી ગૂગલમાં કામ કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ કંપનીના સર્ચ એડવર્ટાઇઝિંગ બિઝનેસમાં કામ કરતા હતા.
આ સાથે શિવકુમાર વેંકટરામનનું નામ પણ તાજેતરમાં નિયુક્ત ચેનલના સીઈઓ લીના નાયર અને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલની યાદીમાં જોડાઈ ગયું છે. બાર્કલેઝે સીએસ વેંકટકૃષ્ણનને તેમના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. ગયા વર્ષે 1 નવેમ્બરે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે એન્જિનિયર શિવકુમાર વેંકટરામનના ટોપ બોસ સુંદર પિચાઈ હશે, જે ભારતીય છે. સુંદર પિચાઈ આલ્ફાબેટ (Alphabet)ના સીઈઓ છે. એવું લાગે છે કે Google નું ફોકસ Web3 પર છે, જે બ્લોકચેન પર કામ કરે છે. ક્રિપ્ટોકરન્સી અને NFTs પણ આ સિસ્ટમ પર કામ કરે છે.
શિવકુમાર વેંકટરામન 52 વર્ષના છે અને તેઓ હૈદરાબાદના રહેવાસી છે. તેમણે વર્ષ 1990માં IIT ચેન્નાઈમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડીગ્રી મેળવી. જે પછી તેઓ કોમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટ માટે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન ગયા.
વેંકટરામને તેમની કારકિર્દીની શરૂઆત હેવલેટ-પેકાર્ડ લેબોરેટરીઝમાં સમર ઇન્ટર્ન તરીકે કરી હતી. આ પછી તેમણે IBMમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું. વર્ષ 2003માં તેમને ગૂગલના મુખ્ય સર્ચ એડવર્ટાઈઝિંગ બિઝનેસની જવાબદારી મળી. જાન્યુઆરી 2004માં, તેમને ગૂગલ લેબ્સના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા અને હાલ આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.