ટેક જાયન્ટ ગૂગલે તેના એપ સ્ટોર પરથી ઘણી ઓનલાઈન પર્સનલ લોન એપ્સ (Personal Loan apps) પર પ્રતિબંધ મૂક્યો છે. 31 મે પછી આ એપ્સનો ઉપયોગ કરી શકાશે નહીં. ગૂગલે ગ્રાહકો પર ખોટા દાવા કરવા અને ખોટી રીતે લોન વસૂલવા બદલ ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આપને જણાવી દઈએ કે ગૂગલે તાજેતરમાં પર્સનલ લોન એપ્સના નિયમોમાં પણ સુધારો કર્યો છે.
ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી 2 હજારથી વધુ મોબાઈલ એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ પર્સનલ લોન ઓફર કરતી હતી અને પછી રિકવરી માટે લોકોને બ્લેકમેલ કરતી હતી. ભારત સરકાર પર્સનલ લોન આપતી એપ પર કડક કાર્યવાહી કરી રહી છે અને હવે આવી એપને લોન આપવાની મંજૂરી નથી. આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ પણ ગુગલ પાસે જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં ગૂગલે 2000 થી વધુ પર્સનલ લોન એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Googleએ પર્સનલ લોન એપ પર પ્રતિબંધ મૂક્યો છે જે લોનના નામે ફોટો અને કોન્ટેક્ટ જેવા સંવેદનશીલ ડેટાની ઍક્સેસ મેળવે છે. ત્યારે ગૂગલના નિયમ અનુસાર, તે એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે સીધા વપરાશકર્તાઓને પર્સનલ લોન આપે છે. ઉપરાંત, એપ્સ કે જે લીડ જનરેટર છે અને ગ્રાહકોને થર્ડ પાર્ટી લોન સાથે જોડે છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેટલાક સમયથી પર્સનલ લોન એપને લઈને લોકોની ફરિયાદો સામે આવી રહી હતી. જેના પર લોનની ખોટી રીતે વસૂલાત અને ઘણા કિસ્સામાં બ્લેકમેલ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. આ એપના બ્લેકમેઈલિંગથી પરેશાન થઈને ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી હતી.
વાસ્તવમાં, આ એપ્સ સરળ પ્રક્રિયા અને ઓછા સમય સાથે લોન આપવાની લાલચ આપે છે, પછી ઊંચા વ્યાજ સાથે પૈસા વસૂલ કરે છે. ઘણી વખત લોકોને બે થી ત્રણ વખત લોન ચુકવવી પડે છે. અને જો લોન પાછી ન લેવામાં આવે તો અનેક વખત ફોટા, વીડિયો વાયરલ કરી સગા સંબંધીઓને બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવે છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો