સાયબર (Cyber Crime) અપરાધીઓ વોટ્સએપ પર કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે ઈનામ આપવાનું બહાનું કરીને છેતરપિંડી કરી રહ્યા છે. ઠગ્સ વોટ્સએપ પર એક મેસેજ મોકલે છે, જેમાં લખ્યું હોય છે કે તમે KBCમાંથી 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે. મેસેજ ઉપરાંત આ માહિતી વોઈસ નોટ દ્વારા પણ આપવામાં આવે છે. સાયબર ગુનેગારો લોકોને ગેરમાર્ગે દોરવા KBCની ઓડિયો ક્લિપ્સ અને ફોટાઓનો ઉપયોગ કરે છે.
KBC દ્વારા WhatsApp પર ક્યારેય કોઈ ક્વિઝ ચલાવવામાં આવતી નથી અને કોઈ ઈનામ આપવામાં આવતું નથી. દેશમાં KBCના નામે છેતરપિંડી શરૂ થઈ ત્યારે લોકોને જાગૃત કરવા માટે આ માહિતી આપવામાં આવી હતી કે KBC કોઈ પણ લોકો પાસેથી રૂપિયા માંગતું નથી, તેથી તમારે કોઈને રૂપિયા આપવા નહીં.
અજાણ્યા નંબર પરથી લોકોને વોટ્સએપ કોલ આવે છે અને ફોન કરનાર દાવો કરે છે કે તમે કૌન બનેગા કરોડપતિમાં 25 લાખની લોટરી જીતી લીધી છે. ત્યારબાદ લોટરીની રકમ ઉપાડવાની માહિતી આપવામાં આવે છે અને આરોપીઓ તેની પાસેથી રજીસ્ટ્રેશન, સિક્યુરીટી ડિપોઝીટ , GST અને ઈન્કમ ટેક્સના નામે પૈસાની માંગણી શરૂ કરે છે. લોકો તેની જાળમાં ફસાઈ અને ઠગ લોકોને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરે છે.
1. વોટ્સએપ પર આવતા આ પ્રકારના મેસેજને અવગણો.
2. મેસેજમાં આપેલી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અથવા તેમાં આપેલા નંબર પર કોલ કરશો નહીં.
3. જુદા-જુદા સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડી થઈ રહી છે તેથી કોઈ ક્વિઝ, લોટરી સંબંધિત મેસેજ દ્વારા છેતરાશો નહીં.
4. કોઈને કોઈ પણ પ્રકારની ફી કે રજીસ્ટ્રેશનના પૈસા ટ્રાન્સફર કરશો નહી.
5. તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં.
6. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
7. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો