હવે સારા ફોટા માટે મોટા કેમેરાની જરૂર નહીં પડે, નવી ટેક્નોલોજી બદલશે ફોટોગ્રાફી!

કેમેરાની દુનિયામાં ટૂંક સમયમાં મોટો બદલાવ આવી શકે છે. જાપાનના સંશોધકોએ વિકસાવેલા નવા ઓપ્ટિકલ સેન્સરથી નાના કેમેરામાં પણ વધુ સારી તસવીરની ક્વોલિટી જોવા મળી શકે છે. આ ટેક્નોલોજી ફોટોગ્રાફીને નવી દિશા આપી શકે છે.

હવે સારા ફોટા માટે મોટા કેમેરાની જરૂર નહીં પડે, નવી ટેક્નોલોજી બદલશે ફોટોગ્રાફી!
Camera Technology
Image Credit source: AI Generated
| Updated on: Jul 11, 2026 | 11:10 AM

આગામી વર્ષમાં સ્માર્ટફોનના કેમેરા સેટઅપમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં તસવીર માટે ઉપયોગમાં લેવાતા મોટા કેમેરા સેન્સર ટૂંક સમયમાં જૂના થઈ જશે. સૂત્રો અનુસાર, જાપાનના સંશોધકોએ નવા પ્રકારના પારદર્શક ઓપ્ટિકલ સેન્સર વિકસાવ્યા હોવાનુ સામે આવ્યું છે. આ સેન્સર ઇમેજ ક્વોલિટી સુધારશે. સાથે કેમેરા સેન્સરનું કદ પણ નાનું કરશે. એટલે કે નવા સેન્સરની મદદથી સ્માર્ટફોનની ફોટોગ્રાફી ક્ષમતા વધશે અને મોટા કેમેરા સેન્સરની જરૂર પણ નહીં પડે.

આ ટેક્નોલોજીના ફાયદા શું છે?

જો આ ટેક્નોલોજીનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થશે તો સ્માર્ટફોનના કેમેરા વધુ પાતળા અને નાના બની શકશે. તે ઓટોમોટિવ, એરોસ્પેસ અને મેડિકલ ઇમેજિંગ ઉપકરણોમાં પણ નોંધપાત્ર પરિવર્તન લાવશે. સંશોધકો કહે છે કે તે ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવશે. નવા સેન્સરે 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્થિર કામગીરી દર્શાવી છે. તે વેક્યુમ અને ભેજવાળા વાતાવરણમાં પણ સારી રીતે કામ કરે છે. આ ફાયદાઓને જોતાં તેનો ઉપયોગ ફક્ત સ્માર્ટફોનમાં જ નહીં પરંતુ મેડિકલ એન્ડોસ્કોપ, વાહનો, ઔદ્યોગિક ઇમેજિંગ સિસ્ટમ્સ અને સ્પેસ હાર્ડવેરમાં પણ થઈ શકે છે.

હાલના કેમેરા સેન્સર કેવી રીતે કામ કરે છે?

આધુનિક ઇમેજ સેન્સરમાં દરેક પિક્સેલ માત્ર લાલ, લીલા અથવા વાદળી રંગમાંથી એક જ રંગને કેપ્ચર કરે છે. ત્યારબાદ આસપાસના પિક્સેલની માહિતીના આધારે સંપૂર્ણ રંગીન ઇમેજ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં લાખો કલર ફિલ્ટરની જરૂર પડે છે. સંપૂર્ણ ઇમેજની તમામ વિગતો પણ કેપ્ચર થઈ શકતી નથી. સંશોધકોનું કહેવું છે કે તેમણે ઇમેજ સેન્સર બનાવવાની વધુ અસરકારક રીત શોધી કાઢી છે.

નવું ઓપ્ટિકલ સેન્સર કેવી રીતે કરશે કામ?

સંશોધકોના અનુસાર નવા સેન્સરમાં ઉપયોગમાં લેવાતી પારદર્શક GZO નૈનોશીટ પર એકસાથે અનેક લાઇટ-ડિટેક્ટિંગ લેયર લગાવી શકાય છે. દરેક લેયર વિઝિબલ લાઇટની વેવલેન્થ અલગ-અલગ રિતે પ્રતિસાદ આપશે. જેના કારણે એક જ પિક્સેલ RGBની સંપૂર્ણ માહિતી કેપ્ચર કરી શકશે. પરિણામે કુલ પિક્સેલની જરૂરિયાત 75 ટકા સુધી ઘટી શકે છે. ઓછા પિક્સેલ હોવા છતાં ઇમેજ રિઝોલ્યુશન પર કોઈ અસર નહીં પડે. સંશોધકોનું કહેવું છે કે આ સેન્સર માનવ આંખના રેટિનાની જેમ કાર્ય કરે છે.

આ પણ વાંચો, WhatsApp : હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, WhatsAppમાં આવી રહ્યું છે નવું ફીચર !

Follow Us