
ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી ટેલિકોમ કંપની Vi અને સરકારી ટેલિકોમ કંપની BSNL એ પોતાના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ કરારને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ સેક્ટર માટે આ એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. અગાઉ બંને કંપનીઓ મર્યાદિત સ્તરે નેટવર્ક શેર કરી રહી હતી, પરંતુ હવે આ ભાગીદારી દેશના તમામ ટેલિકોમ સર્કલ્સમાં લાગુ થવા જઈ રહી છે.
આનાથી બંને કંપનીઓની કનેક્ટિવિટી સુધરશે અને સાથે જ માર્કેટમાં પ્રભુત્વ ધરાવતી Jio અને Airtel માટે સ્પર્ધા વધશે, જેનાથી યુઝર્સને નવી પસંદગીઓ મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ, Vi ના CEO અભિજીત કિશોર અને BSNL ના ચેરમેન રોબર્ટ જે. રવિ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બંને કંપનીઓ વચ્ચેની આ ભાગીદારીનો મુખ્ય હેતુ દેશભરમાં નેટવર્ક વિસ્તરણ અને સર્વિસ ઓપરેશન્સને વધુ મજબૂત બનાવવાનો છે.
BSNL અને Vi ના સાથે આવવાથી ગ્રાહકોને મોંઘા રિચાર્જ પ્લાનથી રાહત મળવાની શક્યતા છે. BSNL ના નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડમાં સુધારો થતાં યુઝર્સને Jio-Airtel સિવાય મજબૂત વિકલ્પ મળશે. બીજી તરફ, BSNL ના લાખો ટાવર્સની મદદથી Vi પોતાના કવરેજને વધુ મજબૂત બનાવી શકશે. બજારમાં સ્પર્ધા વધવાને કારણે અન્ય કંપનીઓને પણ સસ્તા રિચાર્જ પ્લાન જાળવી રાખવા કે રજૂ કરવા દબાણ ઊભું થઈ શકે છે.
અહેવાલો અનુસાર BSNL માત્ર નેટવર્ક શેરિંગ સુધી સીમિત રહેવા માંગતું નથી, પરંતુ ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઉભરતા ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા માંગે છે. Vi પોતાના 5G નેટવર્કનો વિસ્તાર કરી રહ્યું હોવાથી, આ પાર્ટનરશિપ હેઠળ ભવિષ્યમાં BSNL ને પણ તેનો સીધો લાભ મળી શકે છે અને સામાન્ય લોકો સુધી સરકારી 5G ઝડપથી પહોંચી શકે છે.