
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા નિયમો હેઠળ 21 ઓક્ટોબર 2026થી Jio, Airtel અને Vodafone Idea સહિતની ટેલિકોમ કંપનીઓએ વધુ વિકલ્પો સાથે માત્ર વોઇસ કોલિંગ અને SMSવાળા પ્લાન ઓફર કરવા પડશે. આ પ્લાનમાં મોબાઇલ ડેટા સામેલ નહીં હોય, જેથી ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ રિચાર્જ પસંદ કરવાની સુવિધા મળશે.
નવા નિયમ મુજબ કંપનીઓએ તેઓ જે 30 દિવસ કે તેનાથી ઓછી વેલિડિટીના વોઇસ-SMS-ડેટા પ્લાન આપે છે, તેની સમકક્ષ વેલિડિટીવાળા વોઇસ અને SMS-ઓન્લી પ્લાન પણ ઓફર કરવા પડશે. લાંબી વેલિડિટી માટે પણ ઓછામાં ઓછો એક નોન-ડેટા પ્લાન આપવો પડશે. માસિક પ્લાનમાં રિચાર્જની તારીખ પ્રમાણે આગામી મહિનામાં વેલિડિટી સમાપ્ત થશે અને તે તારીખ ન હોય તો મહિનાના છેલ્લા દિવસે પ્લાન સમાપ્ત થશે.
TRAIએ કંપનીઓ માટે કોઈ ચોક્કસ કિંમત કે નિશ્ચિત ઘટાડાની ફોર્મ્યુલા નક્કી કરી નથી. જોકે, ડેટા હટાવવામાં આવે ત્યારે પ્લાનની કિંમતમાં યોગ્ય ઘટાડો કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. TRAIના આંકડા મુજબ પ્રતિ GB સરેરાશ આવક માર્ચ 2025ના ₹9.11થી ઘટીને માર્ચ 2026માં ₹7.51 થઈ હતી, જ્યારે સરેરાશ માસિક ARPU ₹183થી વધીને ₹196.04 થયું હતું.
ડિસેમ્બર 2024માં TRAIએ કંપનીઓને ઓછામાં ઓછો એક વોઇસ અને SMS-ઓન્લી સ્પેશિયલ ટેરિફ વાઉચર ઓફર કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેની વેલિડિટી 365 દિવસ સુધી હોઈ શકે છે. બાદમાં TRAIએ નોંધ્યું કે આવા પ્લાન મર્યાદિત સંખ્યામાં અને મુખ્યત્વે લાંબી વેલિડિટી સાથે ઉપલબ્ધ હતા. ગ્રાહકોને ટૂંકી વેલિડિટીના વિકલ્પો આપવા માટે એપ્રિલ 2026માં ડ્રાફ્ટ નિયમ રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે 1,132 પ્રતિસાદ મળ્યા અને 15 જૂન 2026ના રોજ હિસ્સેદારો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી.
કેટલીક ટેલિકોમ કંપનીઓએ આવા સસ્તા અને ટૂંકી વેલિડિટીના વોઇસ-ઓન્લી પ્લાનથી સ્પામ કોલ અને અનિચ્છનીય સંદેશાવ્યવહાર વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. કંપનીઓએ કિંમતમાં ચોક્કસ ઘટાડો ફરજિયાત કરવાથી તેમની ટેરિફ નક્કી કરવાની સ્વતંત્રતા પર અસર થવાની દલીલ પણ કરી હતી. TRAIએ વિવિધ અભિપ્રાયો પર વિચાર કર્યા બાદ ચોક્કસ કિંમત ઘટાડો ફરજિયાત કરવાને બદલે કંપનીઓને યોગ્ય ઘટાડો કરવાની દિશા આપી છે.
આ પણ વાંચો- Breaking News : Asian Games 2026માં કઈ તારીખે હશે ભારત-પાકિસ્તાનની મેચ? સમજો આખું ગણિત