એક તરફ સામાન્ય જનતા ટેક્સના બોજથી દબાયેલી છે તો બીજી તરફ સરકારની તિજોરીમાં ટેક્સના પૈસા(Tax Income) આવી રહ્યા છે. નાણા મંત્રાલયે ગુરુવારે નાણાકીય વર્ષ 2021-22માં કુલ ટેક્સ કલેક્શનની વિગતો જાહેર કરી છે. સરકારી ડેટા અનુસાર વર્ષ 2021-22માં પ્રત્યક્ષ કરમાં 49 ટકા અને પરોક્ષ કરમાં 30 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. આ બજેટ અંદાજ કરતાં લગભગ 5 લાખ કરોડ રૂપિયા વધુ છે. 2021-22ના બજેટમાં ટેક્સમાંથી આવક 22.17 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. 2020-21માં ટેક્સની આવક 20.27 લાખ કરોડ રૂપિયા હતી.
ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં પ્રત્યક્ષ કર કલેક્શન 49 ટકાના વધારા સાથે 14.10 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે જ્યારે પરોક્ષ કર સંગ્રહમાં 30 ટકાનો વધારો થયો છે અને તે 12.90 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કર કલેક્શન ગયા નાણાકીય વર્ષના બજેટ અંદાજ કરતાં રૂ. 3.02 લાખ કરોડ વધુ હતું. કસ્ટમ ડ્યુટીની આવકમાં પણ 41 ટકાનો વધારો થયો છે.
તરુણ બજાજના મતે ટેક્સની આવકમાં વધારો અર્થતંત્રમાં સુધારો દર્શાવે છે. તેમણે કહ્યું કે એક્સાઈઝ ડ્યુટીની વસૂલાત પણ બજેટ અંદાજ કરતાં વધુ થઈ છે. 2021-22માં ટેક્સ-ટુ-જીડીપી રેશિયો 11.7 ટકા હતો. નાણાકીય વર્ષ 2020-21માં ટેક્સ-ટુ-જીડીપી રેશિયો 10.3 ટકા હતો. આ 1999 પછી સૌથી વધુ છે.
ટેક્નોલોજી ઉદ્યોગ સંસ્થા નાસ્કોમે (NASSCOM) સરકારના સ્ટેન્ડને આવકાર્યું છે જેમાં ડબલ ટેક્સેશનના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. હકીકતમાં તાજેતરમાં યોજાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ECTA (Bharat-Australia ECTA) બેઠકમાં, સરકારે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA)નો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતની આ ચિંતાને વાજબી ગણીને ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં ઉકેલ શોધવા સંમત થયું છે. તાજેતરમાં, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વેપાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન સરકારે ઑસ્ટ્રેલિયાને વિદેશી ટેક્સ સંબંધિત વિવાદોને ઉકેલવા વિનંતી કરી હતી. ઓસ્ટ્રેલિયન સરકારે આ માટે સંમતિ આપી છે. નાસ્કોમે સરકારના આ પગલાની પ્રશંસા કરી છે.