
U19 World Cup માટે દેશો પોતાની ટીમની જાહેરાત કરી રહ્યા છે. આગામી વર્ષે અંડર-19 વર્લ્ડકપ નામીબિયા અને ઝિમ્બાબ્વેમાં રમાનારો છે. જેના માટે ભારત પણ અંડર 19 એશિયા કપ બાદ પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશે પોતાની ટીમ પસંદ કરી લીધી છે. જાપાનની અંડર 19 ટીમની જાહેરાત બાદ એક નવો ઈતિહાસ રચાયો છે. જાપાનની વર્લ્ડ કપની ટીમમાં 3 ભાઈઓને સ્થાન મળ્યું છે. એટલે કે, 3 ભાઈ એક સાથે પોતાના દેશ માટે અંડર 19 વર્લ્ડકપ રમતા જોવા મળશે.
ક્રિકેટમાં ઈતિહાસમાં કોઈ પણ લેવલ પર 3 ભાઈ વર્લ્ડકપની ટીમમાં સ્થાન બનાવવાની આ બીજી ઘટના છે. અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં તો આવું પહેલી વખત થયું છે. છેલ્લી વખત 1975ના વનડે વર્લ્ડકપ માટે 3 ભાઈઓને ન્યુઝીલેન્ડની ટીમમાં સ્થાન મળ્યું હતુ. ત્યારે રિચર્ડ હેડલી,બેરી હેડલુ અને ડેલ હેડલીને ન્યુઝીલેન્ડની સાથે વર્લ્ડકપ રમવાની તક મળી હતી. હવે 51 વર્ષ બાદ 2026માં સીનિયર લેવલ પર તો નહી પરંતુ અંડર 19 લેવલ પર રમાનાર વર્લ્ડકપમાં જાપાનના 3 ક્રિકેટર ભાઈઓ એક સાથે એક જ ટીમમાં સાથે રમતા જોવા મળશે.
જાપાનના અંડર 19 વર્લ્ડ કપ 2026 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જાપાનની ટીમમાં જે 3 ક્રિકેટર ભાઈઓની પસંદગી થઈ છે. તેના નામ મોન્ટગોમેરી હારા હીન્ઝ, ગૈબ્રિયલ હારા હીન્ઝ અને ચાર્લ્સ હારા હીન્ઝ છે. આ 3 ભાઈઓમાં ચાર્લ્સ સૌથી મોટો ભાઈ છે.
જાપાનની ટીમ અંડર 19 વર્લ્ડકપ 2026ના ગ્રુપ એમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં જાપાન સિવાય બાકીની 3 ટીમ ઓસ્ટ્રેલિયા,શ્રીલંકા અને આયરલેન્ડ છે. જાપાનની ટીમ 5જાન્યુઆરીથી આફ્રિકા માટે રવાના થશે. જ્યાં તાંઝાનિયા વિરુદ્ધ 10 જાન્યુઆરીના રોજ વોર્મઅપ મેચ રમશે. તેમજ 12 જાન્યુઆરીના રોજ બીજી વોર્મઅપ મેચમાં તેનો સામનો વેસ્ટઈન્ડિઝ સામે થશે.
Published On - 9:34 am, Mon, 15 December 25