Saina Nehwal : સાયના નેહવાલની કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં તેના ખિતાબનો બચાવ કરવાની તકો અંધકારમય લાગે છે કારણ કે તેણે પસંદગી ટ્રાયલ્સમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું છે. બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)અને હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સ (Asian Games)માટે સિલેકશન ટ્રાયલ 15 થી 20 એપ્રિલ દરમિયાન યોજાશે. હિસારમાં જન્મેલી, 32 વર્ષીય બે વખતની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન અને લંડન ઓલિમ્પિક્સ 2012 બ્રોન્ઝ મેડલ વિજેતાએ બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (BAI) ને ટ્રાયલમાં ભાગ ન લેવાના તેના નિર્ણય વિશે જાણ કરી છે.
BAIના એક સૂત્રએ PTIને જણાવ્યું કે, સાયનાએ BAIને પત્ર લખીને ટ્રાયલમાં ભાગ ન લેવાના તેના નિર્ણય વિશે જાણ કરી છે. કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઉબેર કપ માટે ટીમ સિલેક્શન માટેની આ એકમાત્ર ટુર્નામેન્ટ છે. કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં 10 સભ્યો હશે જેમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓની સમાન સંખ્યા હશે. એશિયન ગેમ્સ અને થોમસ અને ઉબેર કપની ટીમમાં 20 સભ્યો હશે, જેમાં 10 પુરૂષ અને 10 મહિલા ખેલાડીઓ હશે.
BAI એ સ્પષ્ટ કર્યું છે કે BWF રેન્કિંગમાં ટોચના 15 ખેલાડીઓને સીધી એન્ટ્રી મળશે જ્યારે બાકીના ખેલાડીઓ ટ્રાયલ દ્વારા પસંદ કરવામાં આવશે. 29મી માર્ચે જાહેર કરવામાં આવેલી વર્લ્ડ રેન્કિંગમાં 16થી 50માં ક્રમે આવેલા ખેલાડીઓ ટ્રાયલ્સમાં ભાગ લેશે. BAI ટ્રાયલ દરમિયાન 2024 ઓલિમ્પિક ગેમ્સ માટે વરિષ્ઠ કોર ગ્રુપ માટે સંભવિતોને પણ અંતિમ રૂપ આપશે.
વિશ્વની ભૂતપૂર્વ નંબર વન સાઇના છેલ્લા કેટલાક સમયથી ઇજાઓ અને ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહી છે. તે વર્લ્ડ રેન્કિંગમાં 23મા સ્થાને સરકી ગઈ છે. સાયનાએ 2010 અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિયો ઓલિમ્પિક પહેલા તેને કારકિર્દી માટે જોખમી ઘૂંટણની ઈજા થઈ હતી. ગયા વર્ષે ઑક્ટોબરમાં ડેનમાર્કના આરહુસમાં થોમસ અને ઉબેર કપ ફાઇનલમાં પણ તેને ઈજા થઈ હતી. તેમજ ઘૂંટણની ઈજાને કારણે તેણે ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડની મેચમાંથી ખસી જવું પડ્યું હતું.
ઈજામાંથી વાપસી કરીને, તે ઈન્ડિયા ઓપનના બીજા રાઉન્ડમાં માલવિકા બંસોડ સામે હારી ગઈ હતી. થોડા અઠવાડિયા પછી, તેણે ત્રણ ટુર્નામેન્ટ, જર્મન ઓપન, ઓલ ઈંગ્લેન્ડ અને સ્વિસ ઓપનમાં ભાગ લીધો, પરંતુ બીજા રાઉન્ડમાં આગળ વધવામાં નિષ્ફળ રહી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-