French Open 2022 : ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા જ રાફેલ નડાલ (Rafael Nadal Injured) ફરી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. આ અનુભવી ખેલાડી ગુરુવારે ઇટાલિયન ઓપન (Italian Open )માં ડેનિસ શાપોવાલોવ સામે ત્રીજા રાઉન્ડની મેચમાં પગમાં દુખાવાથી પરેશાન હતો, જેના કારણે તેને અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. શાપોવાલોવે નડાલને શરૂઆતની લીડનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો અને 1-6, 7-5, 6-2થી જીત મેળવી હતી. આ મેચ દરમિયાન, 35 વર્ષીય નડાલ (Rafael Nadal) દર્દના કારણે દુખી જોવા મળ્યો હતો. ડાબા પગની ઈજાને કારણે નડાલ ગયા વર્ષે ઘણી ટૂર્નામેન્ટ ચૂકી ગયો હતો.
નડાલે કહ્યું, ‘મારા પગમાં ફરી ઈજા થઈ છે. તે પીડાદાયક છે. હું એક એવો ખેલાડી છું જેણે ઇજાઓ સાથે જીવન જીવ્યું છે. મારા માટે આ નવું નથી. દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે.’ પગની ઈજા નડાલ માટે ચિંતાનો વિષય છે કારણ કે ફ્રેન્ચ ઓપન 22 મેથી શરૂ થઈ રહી છે જેમાં તેણે રેકોર્ડ 13 ટાઇટલ જીત્યા છે. નડાલે કહ્યું, ‘એક અઠવાડિયામાં શું થશે, મને ખરેખર ખબર નથી.’
આ પહેલા વિશ્વના નંબર વન નોવાક જોકોવિચે સ્ટેન વાવરિંકાને 6-2, 6-2થી હાર આપી હતી. વાવરિંકા તેના ડાબા પગના બે ઓપરેશન બાદ તેની બીજી ટુર્નામેન્ટ રમી રહ્યો હતો. ઇટાલિયન ઓપનમાં, પાંચ વખતના ચેમ્પિયન જોકોવિચનો આગળનો મુકાબલો ફેલિક્સ ઓગર એલિઆસિમ સાથે થશે, જેણે અમેરિકન ક્વોલિફાયર માર્કોસ ગિરોનને 6-3, 6-2થી હરાવ્યો હતો. મહિલા વિભાગમાં ટોચની ક્રમાંકિત ઇંગા સ્વિયાટેકે વિક્ટોરિયા અઝારેન્કાને 6-4, 6-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. Sviatec હવે 2019 યુએસ ઓપન ચેમ્પિયન બિઆન્કા એન્ડ્રીસ્કુ સામે ટકરાશે, જેણે ક્રોએશિયન ક્વોલિફાયર પેટ્રા માર્ટિકને 6-4, 6-4થી હરાવ્યો હતો.
પુરૂષોના વિભાગમાં, ઇટાલીના 20 વર્ષીય યાનિક સિનરે ફિલિપ ક્રાજિનોવિકને 6-2 7-6 (6) થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો સામનો સ્ટેફાનોસ સિત્સિપાસ સામે થશે. સિત્સિપાસે કારેન ખાચાનોવને 4-6, 6-0, 6-3થી હરાવ્યો હતો. અન્ય મેચમાં, 2017ના ચેમ્પિયન એલેક્ઝાંડર ઝવેરેવે અહીં એલેક્સ ડી મિનોરને 6-3 7-6 (5)થી હરાવ્યો હતો.