Wrestlers Protest : અનુરાગ ઠાકુર સાથેની પહેલવાનોની બેઠકમાં કોઈ નિવેડો નહી, ધરણા યથાવત, આજે ફરી યોજાશે બેઠક

રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે કુસ્તીબાજોના આરોપોને ધ્યાનમાં લઈને રમતગમત મંત્રાલયે WFIને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માંગ્યો છે. કુસ્તીબાજોની આગામી શિબિર પણ તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે.

Wrestlers Protest : અનુરાગ ઠાકુર સાથેની પહેલવાનોની બેઠકમાં કોઈ નિવેડો નહી, ધરણા યથાવત, આજે ફરી યોજાશે બેઠક
No decision in wrestlers meeting with Anurag Thakur
| Edited By: | Updated on: Jan 20, 2023 | 6:52 AM

દેશના ટોચના કુસ્તીબાજોની રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ને તાત્કાલિક અસરથી વિખેરી નાખવાની માંગ વચ્ચે રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગુરુવારે મોડી રાત સુધી મડાગાંઠનો ઉકેલ લાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. જોકે, રમતગમત પ્રધાનના નિવાસસ્થાને લગભગ ચાર કલાક સુધી ચાલેલી બેઠકમાં કોઈ નિવેડો આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે શુક્રવારે ફરી એકવાર કુસ્તીબાજો સાથે બેઠક થઈ શકે છે. ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ સહિત કેટલાય ભારતીય કુસ્તીબાજો છેલ્લા બે દિવસથી દિલ્લીમાં જંતર-મંતર ખાતે WFI પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ધમકીઓ આપતા હોવાનો આરોપ લગાવીને ધરણા કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં રમતગમત મંત્રીએ કુસ્તીબાજોની વાત સાંભળી અને તેમના ધરણા પૂર્ણ કરવાની અપીલ કરી હતી. પરંતુ કુસ્તીબાજો એ વાત પર અડગ રહ્યાં છે કે, પહેલા WFIનું વિસર્જન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કુસ્તીબાજો શુક્રવારે પણ તેમના ધરણા ચાલુ રાખશે. કુસ્તીબાજોની નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે સરકાર અન્ય મુદ્દાઓને પછીથી ઉકેલી શકે છે. પરંતુ તેણે પહેલા WFI ને વિસર્જન કરવું જોઈએ.

વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મિલક, અંશુ મલિક, રવિ દહિયા, સરિતા મોર સહિતના કુસ્તીબાજો ગઈકાલ ગુરુવારે રાત્રે રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. બંને પક્ષો વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી, જેમાં બંને પક્ષો હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે.

ઉકેલ આવ્યા વિનાની બેઠક

અગાઉ પણ ત્રણ વખતની કોમનવેલ્થ ચેમ્પિયન વિનેશ ફોગટ અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા સહિત કુસ્તીબાજોની એક ટીમ અને સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કંદયાનને સરકાર સાથે બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. આ બધાએ સ્પોર્ટ્સ સેક્રેટરી સુજાતા ચતુર્વેદી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને જોઈન્ટ સેક્રેટરી (રમતગમત) કુણાલ સાથે પણ તેમના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક કલાક સુધી ચાલેલી બેઠકમાં કુસ્તીબાજોને તેમના ધરણા આટોપી લેવાનું કહેવામાં આવ્યું હતું અને ખાતરી આપવામાં આવી હતી કે તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.

72 કલાકની અંદર જવાબ આપો

દરમિયાન, ડબ્લ્યુએફઆઈએ હજુ સુધી 72 કલાકની અંદર સ્પષ્ટતાની મંત્રાલયની માંગનો જવાબ આપ્યો નથી, જેનાથી શંકા વધી રહી છે. જોકે, ડબ્લ્યુએફઆઈ તરફથી કોઈ લેખિત જવાબ ન મળે ત્યાં સુધી રમતગમત મંત્રાલય, બ્રિજ ભૂષણને રાજીનામું આપવા દબાણ કરી શકે નહીં. કારણ કે સરકારે પોતે WFI પાસેથી 72 કલાકમાં ખુલાસો માંગ્યો છે.

બબીતા ​​ફોગાટ બની સરકારની સંદેશાવાહક

ત્રણ વખતની કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા અને ભાજપના નેતા બબીતા ​​ફોગાટે ગુરુવારે સરકારના સંદેશાવાહક બની અને ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને તેમની માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી હતી. સરકાર સાથે મીટિંગ માટે બોલાવવામાં આવેલી કુસ્તીબાજોની ટીમમાં ત્રણ વખતની કોમનવેલ્થ ચેમ્પિયન વિનેશ ફોગાટ અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કંદયાનનો સમાવેશ થાય છે. આ બધાએ સ્પોર્ટ્સ સેક્રેટરી સુજાતા ચતુર્વેદી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને જોઈન્ટ સેક્રેટરી (રમત) કુણાલ સાથે પણ તેમના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.