આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી (Sunil Chhetri) એ ઘરઆંગણે સતત બે જીત નોંધાવ્યા બાદ કહ્યું કે, ટીમ હોંગકોંગ સામેની AFC એશિયન કપ ક્વોલિફિકેશન (AFC Asian Cup Qualification) ગ્રુપ ડીની છેલ્લી ક્વોલિફાઇંગ મેચમાં જીત નોંધાવીને આગલા રાઉન્ડમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ભારતીય ફૂટબોલ ટીમ (Indian Football Team) એ શનિવારે એક રોમાંચક મેચમાં અફઘાનિસ્તાન સામે 2-1 થી જીત નોંધાવી હતી. મેચના ત્રણેય ગોલ રમતની 86મી મિનિટ બાદ થયા હતા.
કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં 40,000 દર્શકોની સામે સુનિલ છેત્રીએ 86મી મિનિટે ભારતનું ખાતું ખોલાવ્યું હતું. જોકે બે મિનિટ બાદ ઝુબેર અમીરીએ અફઘાનિસ્તાન માટે બરાબરીનો ગોલ કર્યો હતો. જેમ જેમ મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી ત્યારે સાહલ અબ્દુલ સમદના ગોલ (90+1 મિનિટ) થી સ્ટેડિયમમાં હાજર દર્શકોને જશ્ન મનાવ્યો હતો.
સુનીલ છેત્રી માટે આ મેચ ખાસ હતી. કારણ કે આ દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે છેત્રીનો આ 83મો ગોલ હતો. સુનિલ છેત્રીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં મારા 17 વર્ષની ઉજવણી આ રીતે કરવી ખૂબ જ સારું લાગે છે.
પ્રભાવશાળી ખેલાડીએ કહ્યું, ‘જોકે આવી સિદ્ધિઓ મારા માટે બહુ મહત્વની નથી. પરંતુ હું આટલા લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરીને સન્માનિત અને ભાગ્યશાળી માનું છું.
મેચના અંતે અબ્દુલ સાહલ સમદના નિર્ણાયક ગોલ બાદ તેણે કેવી રીતે યુસૈન બોલ્ટની જેમ ઉજવણી કરી તે વિશે પૂછવામાં આવતા છેત્રીએ હસીને કહ્યું, “જો તમે મારા જીપીએસ પર નજર નાખો તો કદાચ તે દિવસે મારી શ્રેષ્ઠ ઝડપ હતી.” હવે અમે થોડો આરામ કરીને વિડિયો જોઈને આગામી મેચની તૈયારી કરીશું. હોંગકોંગ એક મજબૂત ટીમ છે. પરંતુ અમે ઘરઆંગણે રમી રહ્યા છીએ. અમે જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.’
આ જીત સાથે ભારતે ગ્રુપમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ટીમ 2019 માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા પછી સતત બીજી અને સતત પાંચમી વખત મુખ્ય તબક્કા માટે ક્વોલિફાય કરવા માંગે છે. ભારતના મુખ્ય કોચ ઇગોર સ્ટીમેકે કહ્યું, ‘અફઘાનિસ્તાન સામેની મેચમાં અમે ‘બ્લુ ટાઈગર્સ’ હતા અને અમારે મેદાન પર તે રીતે રહેવાની જરૂર છે. અમે આવા પ્રદર્શન ચાલુ રાખવા માંગીએ છીએ.