ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં બેડમિન્ટનમાં ઘણા મેડલની અપેક્ષા રાખી રહ્યું છે. ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલી સ્ટાર ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) પર ચાહકોની ખાસ નજર રહેશે. પીવી સિંધુએ અત્યાર સુધી આ ગેમ્સમાં વિમેન્સ સિંગલ્સમાં એક-એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પીવી સિંધુએ પણ 2018ની ગેમ્સમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
PV Sindhu
ઉમરઃ 27
રમતઃ બેડમિન્ટન
વર્લ્ડ રેન્કઃ 7
આ હૈદરાબાદી શટલર પીવી સિંધુ વર્ષ 2009 માં કોલંબોમાં યોજાયેલી જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી. ત્યાર બાદ વર્ષ 2012માં પીવી સિંધુએ લંડન ઓલિમ્પિક (London Olympic) ચેમ્પિયન લી જુરેઈને હરાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર 17 વર્ષની ઉંમરે પીવી સિંધુએ વિશ્વની ટોપ-20 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું.
આ પછી પીવી સિંધુ 2013 ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતવાની સાથે આ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. ત્યારથી વર્ષ 2015 ને બાદ કરતા તેણે 2019 સુધી દરેક વિશ્વ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો.
2016 રિયો ઓલિમ્પિકમાં (Rio Olympic) પીવી સિંધુ (PV Sindhu) એ પ્રથમ ચાર મેચ જીતીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પીવી સિંધુએ ત્યાર બાદ સેમિ ફાઈનલ મેચમાં જાપાનની નોઝોમી ઓકુહારાને સીધી ગેમમાં 21-19, 21-10 થી પરાજય આપ્યો હતો. પીવી સિંધુ પાસે ફાઇનલમાં ગોલ્ડ જીતવાની તક હતી. પરંતુ સ્પેનની કેરોલિન મારિને તેના પર વિજય મેળવ્યો હતો. ફાઇનલમાં મારિને સિંધુને 19-21, 21-12, 21-15 થી પરાજય આપ્યો હતો. આ પછી વર્ષ 2019 માં સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી બની હતી.
પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી એકમાત્ર ભારતીય મહિલા શટલર હતી. જ્યાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે તેનો સતત બીજો ઓલિમ્પિક મેડલ હતો. આ સાથે પીવી સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની છે. બ્રોન્ઝ મેડલ મેચમાં તેણે ચીનની હી બિંગજિયાઓને 21-13, 21-15થી હરાવ્યું.
પીવી સિંધુએ તાજેતરમાં સિંગાપોર ઓપન 2022 માં ભાગ લીધો હતો. જ્યાં તે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. પીવી સિંધુએ ફાઇનલમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15 થી પરાજય આપ્યો હતો. હવે પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સમાં પણ આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છશે.
Published On - 9:31 am, Tue, 19 July 22