ગુજરાતની પૂજા પટેલ National Games માં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ એથ્લીટ બની

|

Oct 07, 2022 | 2:05 PM

નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતની પૂજા પટેલે ઇતિહાસ રચ્યો છે કારણ કે તે નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ એથ્લીટ બની છે. યોગાસનનું નેશનલ ગેમ્સમાં પ્રથમ વાર આયોજન થઇ રહ્યું છે.

ગુજરાતની પૂજા પટેલ National Games માં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ એથ્લીટ બની
Pooja Patel of Gujarat has scripted history becoming the first-ever athlete to win Gold in Yogasana at National Games

Follow us on

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) માં ગુજરાતની પૂજા પટેલે (Pooja Patel) ઇતિહાસ રચ્યો છે. પૂજા પટેલ નેશનલ ગેમ્સમાં યોગાસનમાં (Yogasana) ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ એથ્લીટ બની છે. પૂજા પટેલે ટ્રેડીશનલ યોગાસન વર્ગમાં સુવર્ણ પદક જીત્યો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામની પૂજા પટેલે 9 વર્ષની બાળ આયુથી જ પોતાના જીવનમાં યોગાસનનો સમાવેશ કરી દીધો હતો. પૂજા પટેલે અનેક વાર દેશમાં મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પૂજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ અનેકો મેડલ પોતાના નામે કર્યા છે. યોગાસનની રમતનો આયોજન અમદાવાદ ખાતે થઇ રહ્યું છે. યોગાસનનું અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને 6 ઓક્ટોબરથી શરૂ થયેલ યોગાસન 11 ઓક્ટોબર સુધી ચાલશે.

 

ગુજરાતની પૂજા પટેલને યોગાસનમાં ગોલ્ડ

યોગાસનની રમતનો આ વર્ષે પ્રથમ વાર નેશનલ ગેમ્સમાં આયોજન થઇ રહ્યું છે. તેથી ગુજરાતની પૂજા પટેલે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ટ્રેડીશનલ યોગાસનમાં ગુજરાતની પૂજા પટેલે 62.46 નો સ્કોર કર્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રની છકુલી બંસીલાલ સેલોકરે 62.34 ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો અને કર્ણાટકની નિર્મલા સુભાષ કોડીલકરે 60.58 ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતના 9 ગોલ્ડ મેડલ

પૂજા પટેલની યોગાસનમાં જીત સાથે ગુજરાતના ગોલ્ડ મેડલનો આંક 9 પર પહોંચી ગયો છે. પૂજા પટેલના મેડલ સાથે ગુજરાતનો કુલ મેડલ આંક 29 પર પહોંચી ગયો છે. ગુજરાતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગુજરાતનો 29 મેડલનો આંકડો નેશનલ ગેમ્સના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી વધુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ગુજરાતે કરેળમાં 2015 માં આયોજિત નેશનલ ગેમ્સમાં કુલ 20 મેડલ જીત્યા હતા. કેરળમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ગુજરાતે 10 ગોલ્ડ, 4 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 20 મેડલ જીત્યા હતા. ગુજરાતે 2022માં નેશનલ ગેમ્સમાં એક્વાટીક્સમાં 8, ટેબલ ટેનિસમાં 6, ટેનિસમાં 5, તીરંદાજીમાં 3, બેડમિન્ટનમાં 2, નેટબોલ, રોલર સ્પોર્ટ્સ, શુટીંગ, કુશ્તી, અને યોગાસનમાં 1-1 એમ કુલ 29 મેડલ જીત્યા છે.

Next Article