યુક્રેન માં સૈન્ય ઘૂસણખોરીને કારણે રશિયા (Russia Ukraine Conflict) સમગ્ર વિશ્વના નિશાના પર છે. રશિયાને તેના સૈન્ય હુમલાથી યુક્રેનમાં તબાહી મચાવતું અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વૈશ્વિક સત્તાઓ આર્થિક અને રાજકીય પ્રતિબંધોનો આશરો લઈ રહી છે, જ્યારે રમતગમત સમુદાય પણ તેની ક્ષમતા અનુસાર કાર્ય કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) એ પણ વિશ્વભરના દેશોને રશિયા અને તેને સાથ પુરી રહેલા બેલારુસ (Belarus) માં યોજાનારી તમામ સ્પર્ધાઓને રદ કરવા અથવા સ્થાનાંતરિત કરવાની અપીલ કરી છે. આ સાથે આ દેશોના ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ બંધ કરવા વિનંતી કરી છે.
રશિયાએ ગુરુવાર 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી અને બીજા દિવસે રાજધાની કિવની સીમાઓ સુધી પહોંચીને તેને વધુ તીવ્ર બનાવી દીધી હતી. શુક્રવારે 25 ફેબ્રુઆરીના રોજ, IOC એ રશિયન આક્રમણમાં ઘટાડો ન થવાને કારણે તમામ દેશોને અપીલ જારી કરી હતી. ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે સંચાલક સંસ્થાઓએ “રશિયા અને બેલારુસની સરકારો દ્વારા ઓલિમ્પિક યુદ્ધવિરામના ઉલ્લંઘનને ધ્યાનમાં લેવું જોઈએ અને રમતવીરોની સુરક્ષાને સંપૂર્ણ પ્રાથમિકતા આપવી જોઈએ”.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા FIDE એ પણ રશિયામાં ઓલિમ્પિયાડનું આયોજન રદ કરવાનો નિર્ણય લીધો છે. ચેસના સૌથી મોટા ગઢ એવા રશિયામાં આ વર્ષે 44મી ચેસ ઓલિમ્પિયાડ યોજાવાની હતી, પરંતુ FIDEએ હવે તેને રદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવાર, 25 ફેબ્રુઆરીના રોજ, FIDEએ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે ચેસ ઓલિમ્પિયાડ સિવાય, વિકલાંગોની ટુર્નામેન્ટ અને FIDE કોંગ્રેસ હવે રશિયામાં યોજાશે નહીં.
છેલ્લા 24 કલાકમાં, ઘણી રમત સંસ્થાઓ અને ટીમો રશિયા અને રશિયન કંપનીઓ વિરુદ્ધ પગલાં લઈ રહી છે. શુક્રવારે, યુરોપિયન ફૂટબોલની સૌથી મોટી સંસ્થા UEFA એ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટની યજમાની રશિયન શહેર સેન્ટ પીટર્સબર્ગ પાસેથી છીનવી લીધી અને તેને ફ્રાન્સની રાજધાની પેરિસને સોંપી દીધી.
આ દરમિયાન મોટર રેસિંગની સૌથી મોટી ટુર્નામેન્ટ ફોર્મ્યુલા-1એ આ વર્ષની રશિયન ગ્રાન્ડ પ્રિ ને રદ કરવાનો નિર્ણય લીધો છે. F1 ની અમેરિકન ટીમ હાસ એ તેના રશિયન સ્પોન્સર યૂરાલકલી સાથેનો કરાર રદ કર્યો છે. એ જ રીતે ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડએ પણ રશિયન એરલાઈન એરોફ્લોટ સાથેનો કરાર તોડી નાખ્યો છે.
Published On - 9:27 am, Sat, 26 February 22