IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ, કટ્ટર હરીફો ફરી મેદાનમાં ટકરાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ ચાહકોમાં હંમેશા એનરો રોમાંચ હોય છે. આ બંને દેશના ખેલાડીઓની ટક્કર નિહાળવા લાખોની સંખ્યામાં દર્શકો મેદાનમાં હાજર રહેતા હોય છે અને કરોડો દર્શકો ટીવી પર રમતની મજા લેતા હોય છે.

IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ, કટ્ટર હરીફો ફરી મેદાનમાં ટકરાશે
South Asian Football Federation SAFF Cup tournament
| Edited By: | Updated on: May 18, 2023 | 10:10 PM

ફૂટબોલ ટુર્નામેન્ટ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનને SAFF કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમોને એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. બંને દેશોની ફૂટબોલ ટીમો લગભગ 5 વર્ષ પછી એકબીજા સાથે ટકરાતી જોવા મળશે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત કરશે અને તમામ મેચો બેંગલુરુમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ ચાહકોમાં હંમેશા એનરો રોમાંચ હોય છે. આ બંને દેશના ખેલાડીઓની ટક્કર નિહાળવા લાખોની સંખ્યામાં દર્શકો મેદાનમાં હાજર રહેતા હોય છે અને કરોડો દર્શકો ટીવી પર રમતની મજા લેતા હોય છે. ત્યારે આગામી જૂન મહિનામાં ફેન્સની આતુરતાનો અંત આવશે અને ક્રિકેટ નહીં પરંતુ ફૂટબોલના મેદાનમાં આ બંને દેશોની ટક્કર જોવા મળશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

હવે ચાહકોને ફૂટબોલ ટુર્નામેન્ટ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF કપ)માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો જોવા મળશે. બંને દેશોની ફૂટબોલ ટીમો લગભગ 5 વર્ષ પછી એકબીજા સાથે ટકરાતી જોવા મળશે. બેંગલુરુમાં 21 જૂનથી 4 જુલાઈ દરમિયાન યોજાનાર SAFF કપ માટે બંને પાડોશી દેશોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. SAFF કપ ટુર્નામેન્ટનો ડ્રો બુધવારે યોજાયો હતો જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, કુવૈત અને નેપાળને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે, જ્યારે લેબનોન, માલદીવ્સ, બાંગ્લાદેશ અને ભૂટાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.

ગ્રુપ મેચો રાઉન્ડ-રોબિન ફોર્મેટના આધારે રમાશે અને દરેક ગ્રુપમાં ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. આઠ દેશોની આ ટુર્નામેન્ટ કાંતિર્વ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે, દક્ષિણ એશિયાની બહારના બે દેશો લેબનોન અને કુવૈતને ટુર્નામેન્ટમાં રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. લેબનોન 99માં સ્થાન સાથે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી સર્વશ્રેષ્ઠ ક્રમાંકિત ટીમ છે. પાકિસ્તાન 195માં સ્થાન સાથે સૌથી ખરાબ રેન્કિંગ ધરાવે છે. ભારત 101માં સ્થાન સાથે બીજા નંબરની સર્વશ્રેષ્ઠ ટીમ છે.

ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ Aની મેચ ટુર્નામેન્ટના પહેલા દિવસે 21 જૂને રમાશે. કુવૈત અને નેપાળ વચ્ચે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બાદ દિવસની આ બીજી મેચ હશે. ભારત અને પાકિસ્તાન છેલ્લે સપ્ટેમ્બર 2018માં ઢાકામાં SAFF કપની 12મી આવૃત્તિ દરમિયાન મળ્યા હતા. ભારતે આ મેચ 3-1થી જીતી હતી, પરંતુ ફાઇનલમાં માલદીવ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને દેશો વચ્ચે કુલ 20થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં ભારતે 12થી વધુ મેચ જીતી છે.

ભારતીય ટીમે કુલ આઠ વખત SAFF કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે ચાર વખત ટીમ ઈન્ડિયા ઉપવિજેતા રહી હતી. ઢાકામાં 2003માં યોજાયેલ પાંચમી સિઝનમાં ભારત ફાઇનલમાં પણ પહોંચી શક્યું ન હતું અને ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જે આ ટુર્નામેન્ટમાં ભારતનું સૌથી નિરાશનજનક પ્રદર્શન હતું.

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને આશા છે કે પાકિસ્તાનના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિઝા મળશે. AIFFના પ્રમુખ કલ્યાણ ચૌબેએ ડ્રો બાદ જણાવ્યું હતું કે, “પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં રમવાની પુષ્ટિ કરી છે, તેથી જ તેમનું નામ અહીં ડ્રોમાં હતું.” દક્ષિણ એશિયા ક્ષેત્રના તમામ દેશોને આ ટુર્નામેન્ટમાં રમવાનો અધિકાર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો