CWG 2022: ટીમ ઈન્ડિયાનુ કરાયુ એલાન, 215 ખેલાડીઓ પર ભારતીયોની જીતની આશા ટકી રહેશે

2018 માં, CWG ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાજવામાં આવી હતી, જેમાં ભારત ત્રીજા સ્થાને રહ્યુ હતું. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પ્રથમ અને બીજા સ્થાને રહ્યા હતા.

CWG 2022: ટીમ ઈન્ડિયાનુ કરાયુ એલાન, 215 ખેલાડીઓ પર ભારતીયોની જીતની આશા ટકી રહેશે
ખેલાડીઓ સાથે 100 જેટલા કોચ અને અધિકારીઓ જશે
| Edited By: | Updated on: Jul 16, 2022 | 9:37 PM

બર્મિંગહામમાં 28 જુલાઈથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) માં 130 કરોડ ભારતીયોની આશાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે 215 ખેલાડીઓ અલગ-અલગ ઈવેન્ટ્સમાં તેમની કૌશલ્ય દર્શાવશે. આ ખેલાડીઓને સપોર્ટ કરવા માટે 100 થી વધુ કોચિંગ સ્ટાફ અને અધિકારીઓ હશે. શનિવાર 16 જુલાઈના રોજ, ગેમ્સની શરૂઆતના 12 દિવસ પહેલા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશને CWG 2022 માટે 215 ખેલાડીઓ સાથે 322 સભ્યોની ટીમની ઔપચારિક જાહેરાત કરી. આ ટીમમાં ખેલાડીઓની સાથે 107 ઓફિસર અને સપોર્ટ સ્ટાફ પણ છે. ઈંગ્લેન્ડના આ પ્રખ્યાત શહેરમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી આ ગેમ્સ યોજાશે.

પ્રદર્શન સુધારવા પર નજર

અગાઉ, 2018 માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી છેલ્લી ગેમ્સમાં, ભારત મેડલ ટેબલમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બાદ ત્રીજા સ્થાને હતું અને ટીમ આ વખતે તેના પ્રદર્શનને સુધારવાનો પ્રયાસ કરશે. આ અવસર પર IOAના મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું કે, અમે અમારી સૌથી મજબૂત ટીમને ગેમ્સમાં મોકલી રહ્યા છીએ. અમે શૂટિંગમાં ખૂબ જ મજબૂત છીએ પરંતુ તે આ વખતે આ ગેમ્સનો ભાગ નથી. આમ છતાં, અમને ગત સિઝન કરતાં આ વખતે વધુ સારું પ્રદર્શન કરવાનો વિશ્વાસ છે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) ના ઉપાધ્યક્ષ રાજેશ ભંડારી ટીમના શેફ ધ મિશન (ટીમ ચીફ) છે.

IOA સરકારનો આભાર માન્યો

ટોચના IOA પદાધિકારીએ એથ્લેટ્સ અને ફેડરેશનને સમર્થન આપવા બદલ સરકારનો આભાર માન્યો. મહેતાએ આ અંગે આગળ કહ્યું, “વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની ભારત સરકારે ગેમ્સને અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે અને ઓલિમ્પિક ગેમ્સમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન તેની સાક્ષી આપે છે.”

આ દિગ્ગજો પર કરો નજર

આ વખતે ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમના મોટા નામોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ઉપરાંત ટોક્યો મેડલ વિજેતા પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાનો સમાવેશ થાય છે. આ સિવાય વર્તમાન CWG ચેમ્પિયન મનિકા બત્રા, વિનેશ ફોગાટ તેમજ હિમા દાસ અને અમિત પંઘાલ પણ ટીમનો ભાગ છે.

રમતો પહેલા પણ આંચકો લાગ્યો

2018 એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા શોટ પટર તજિન્દરપાલ સિંહ તૂરનો પણ ભારતીય દળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, તૂરે ઈજાને કારણે શનિવારે જ ગેમ્સમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. યુજીન, યુ.એસ.એ.માં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ પહેલા ગ્રોઈન ઈંજરીને કારણે તૂર કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો હતો.

 

 

Published On - 9:34 pm, Sat, 16 July 22