
FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં મોરોક્કોએ નેધરલેન્ડ્સ સામે યાદગાર જીત નોંધાવી છે. નિયમિત સમય અને એક્સ્ટ્રા ટાઈમ બાદ મેચ 1-1 ને બરાબરી પર રહી હતી, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોએ 3-2 થી જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે મોરોક્કોનો આગામી મુકાબલો 4 જુલાઈએ કેનેડા સામે થશે.
મેચના પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજા હાફની 72 મી મિનિટે કોડી ગાક્પોએ ગોલ કરીને નેધરલેન્ડ્સને 1-0ની લીડ અપાવી હતી. ક્રિસેન્સિયો સમરવિલે આપેલા પાસનો ગાક્પોએ શાનદાર ઉપયોગ કર્યો અને ડચ ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી.
પરંતુ સ્ટોપેજ ટાઈમમાં મોરોક્કોએ જોરદાર વાપસી કરી હતી. 91 મી મિનિટે ઈસા ડિઓપે શક્તિશાળી હેડર દ્વારા ગોલ ફટકારીને સ્કોર 1-1 થી બરાબર કરી દીધો હતો. આ ગોલ પછી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ, જ્યાં પણ કોઈ ટીમ નિર્ણાયક ગોલ કરી શકી નહીં. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોના ખેલાડીઓએ વધુ ધીરજ બતાવી અને ઐતિહાસિક જીત મેળવી.
Morocco win on penalties to advance to the Round of 16!#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 30, 2026
પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન નેધરલેન્ડ્સના જસ્ટિન ક્લુઇવર્ટ, જ્યુરિયન ટિમ્બર અને અંતે સમરવિલે મહત્વપૂર્ણ પેનલ્ટી ચૂકી ગયા હતા. જ્યારે બીજી તરફ મોરોક્કો તરફથી રહીમી, તાલ્બી અને અંતિમ નિર્ણાયક કિક પર સાઈબારીએ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.
મોરોક્કોની જીતનો હીરો ઈસા ડિઓપ રહ્યો હતો. ફ્રાન્સમાં જન્મેલો ડિઓપે અંડર-16 થી અંડર-21 સુધી ફ્રાન્સ માટે રમ્યો હતો, પરંતુ સિનિયર ટીમમાં તક ન મળતા તેણે પોતાની માતાના દેશ મોરોક્કો માટે રમવાનો નિર્ણય લીધો હતો. આજે એ જ નિર્ણય તેના માટે ઐતિહાસિક સાબિત થયો છે. હાલમાં ડિઓપ પ્રીમિયર લીગ ક્લબ ફુલહામ તરફથી રમે છે અને હવે વર્લ્ડ કપમાં પણ મોરોક્કાનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે.