વિશ્વની નંબર વન (World Number One Tennis Player) મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટી (Ashleigh Barty) એ નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની બાર્ટીએ અગાઉ પણ ટેનિસ બ્રેક લીધો હતો પરંતુ આ વખતે તે પરત ફરવા તૈયાર નથી. બાર્ટીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ફેન્સને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. બાર્ટીને ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા સ્પોર્ટ્સ સુપરસ્ટારમાંથી એક ગણવામાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં તેણે ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) નો ખિતાબ જીત્યો હતો. 44 વર્ષમાં આ ખિતાબ જીતનારી તે પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી હતી.
બાર્ટી હાલમાં વિશ્વની નંબર વન ખેલાડી છે. આવી સ્થિતિમાં તે નિવૃત્ત થઈ જશે તેવી કોઈને આશા નહોતી. તેના આ નિર્ણયથી ચાહકોની સાથે સાથે ટેનિસ જગતના તમામ દિગ્ગજો પણ ચોંકી ગયા હતા. તેના નજીકના મિત્ર અને પત્રકાર સાથેની મુલાકાતમાં, બાર્ટીએ જાહેરાત કરી હતી કે તે તેની ટેનિસ કારકિર્દી અહીં સમાપ્ત કરી રહી છે. બાર્ટીએ તેની કારકિર્દીમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે.
25 વર્ષીય બાર્ટીએ વિડિયોમાં ખુલાસો કર્યો હતો કે તેણીને નથી લાગતું કે તેનું શરીર તેને આંતરરાષ્ટ્રીય મંચ પર રહેવા માટે જેટલુ જરુરી છે તે આપવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે તેણે આ નિર્ણય અચાનક નથી લીધો, તે ગયા વર્ષે વિમ્બલ્ડનથી આ વિશે વિચારી રહી હતી. વીડિયોમાં બાર્ટીએ કહ્યું, ‘હું ઘણા સમયથી નિવૃત્તિ વિશે વિચારી રહી હતી. મારી કારકિર્દીમાં ઘણી શાનદાર ક્ષણો આવી જે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ગયા વર્ષે વિમ્બલ્ડને એક ખેલાડી તરીકે મારામાં ઘણો બદલાવ કર્યો હતો. તે મારું સ્વપ્ન હતું.
બાર્ટીએ કહ્યું કે તે હવે નંબર વન બની રહેવા માટે જરૂરી વસ્તુઓ માટે તૈયાર નથી. 25 વર્ષીય સ્ટારે કહ્યું, ‘મેં મારી ટીમને ઘણી વખત કહ્યું છે કે મારામાં હવે તે તાકાત અને ઈચ્છા નથી. હું મારી જાતને શારીરિક રીતે તૈયાર કરી શકી નથી અને મને નથી લાગતું કે હવે હું બીજું કંઈ કરી શકું. મેં મારું સર્વસ્વ આ રમતને આપી દીધું છે અને હું તેનાથી ખૂબ જ ખુશ છું અને એ જ મારી માટે સાચી સફળતા છે.
Published On - 8:55 am, Wed, 23 March 22